ચીન LAC ખાતે બનાવી રહ્યું છે તિબેટ-શિનજિયાંગ રેલવે લાઈન, ભારત માટે ‘ખતરો’?
વિસ્તારવાદી ચીનનો નવો પેતરો! શું સરહદ પર રેલ યોજના ભારતને ભારે પડશે?

બીજિંગઃ ભારતના સરહદી વિસ્તારને જોડતા સૌથી મોટા દેશ પાકિસ્તાન અને ચીન છે. આ બંને દેશો સાથે ભારત સારા સંબંધ નથી ધરાવતું. આ વચ્ચે ચીનની એક રેલવે યોજનાના કારણે ભારત ચીન વચ્ચે તણાવ વધુ થવાની શક્યતા સેવાઈ રહી છે. વાસ્તવમાં વાત એવી છે કે ચીન વિશ્વની સૌથી મુશ્કેલ અને ઊંચી જગ્યાઓમાંથી પસાર થતી એક વિશાળ રેલવે યોજના શરૂ કરવાની તૈયારીમાં છે.
આ યોજના તિબેટને શિનજિયાંગ સાથે જોડશે અને ભારત સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીકથી પસાર થશે. આનાથી વિવાદિત વિસ્તારો જેમ કે અક્સાઈ ચિન અને નેપાળની સરહદ તેમ જ 2017ના ડોકલામ વિવાદવાળી ચંબી ખીણ સુધી પહોંચશે.
સૂત્રોની જાણકારી પ્રમાણે ચીન 2008થી આ પરિયોજનાનું આયોજન કરી રહ્યું છે અને હવે તેને અમલમાં મૂકવા તૈયાર છે. આ રેલ લાઇન શિનજિયાંગના હોતાનથી તિબેટના લ્હાસા સુધી લગભગ 2,000 કિલોમીટર લાંબી હશે. તે તિબેટના શિગાત્સેથી શરૂ થઈને નેપાળની સરહદ સાથે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને અક્સાઈ ચિનમાંથી પસાર થઈને હોતાન પહોંચશે.
આ રસ્તો કુનલુન, કરાકોરમ, કૈલાશ અને હિમાલય જેવી પર્વતમાળાઓમાંથી પસાર થશે, જ્યાં સરેરાશ ઊંચાઈ 4500 મીટરથી વધુ હશે અને ગ્લેશિયર્સ, જમીની નદીઓ તેમજ પર્માફ્રોસ્ટ જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. નવી બનેલી શિનજિયાંગ-તિબેટ રેલવે કંપની (એક્સટીઆરસી) આ પરિયોજનાનુ સંચાલન કરશે, જેની રજિસ્ટર્ડ કેપિટલ 95 અબજ યુઆન (લગભગ 13.2 અબજ ડોલર) છે અને 2035 સુધીમાં લ્હાસાને કેન્દ્રમાં રાખીને 5000 કિલોમીટરનું રેલ નેટવર્ક વિકસાવવાનું લક્ષ્ય છે.
ચીને 2006માં તિબેટને તેના રેલ નેટવર્ક સાથે જોડવાની શરૂઆત કરી હતી, જ્યારે ગોલમુડથી લ્હાસા સુધીની ટ્રેન 4000 મીટરની ઊંચાઈ પર પર્માફ્રોસ્ટમાંથી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી હતી. આ પછી 2014માં લ્હાસા-શિગાત્સે અને 2021માં લ્હાસા-ન્યિંગચી રેલ લાઇનો શરૂ કરવામાં આવી. હવે ચીન તેના રેલ નેટવર્કને ભારતની સરહદ નજીક વધુ ઊંડાણમાં લઈ જવા માંગે છે, જે તેની વિસ્તારવાદી નીતિને દર્શાવે છે.
ભારત માટે ચિંતાના કારણો
આ રેલ લાઇન ભારત માટે બે મુખ્ય કારણોથી ચિંતાનું કેન્દ્ર છે. પહેલું, અક્સાઈ ચિન જે ભારતનો અભિન્ન ભાગ છે, પરંતુ 1950થી ચીનના કબજામાં છે. 1950ના દાયકામાં ચીને અહીં શિનજિયાંગ-તિબેટ હાઈવે (જી219) બનાવ્યો હતો, જે 1962ના ભારત-ચીન યુદ્ધનું મુખ્ય કારણ બન્યો.
હવે રેલ લાઇન પણ તે જ વિસ્તારમાંથી પસાર થશે. બીજું, એલએસી નજીક આ લાઇન ચીનને તેની સેના અને સૈન્ય સામગ્રીને ઝડપથી તૈનાત કરવામાં મદદ કરશે, જે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં તણાવ વધારી શકે છે.
ચીન તેની રેલને અરુણાચલ પ્રદેશની સરહદ નજીક લ્હાસા-ન્યિંગચી માર્ગથી આગળ ચેંગડુ સુધી વિસ્તારવાની યોજના ધરાવે છે, જે એક મોટું સૈન્ય કેન્દ્ર છે. તેમજ નેપાળ-તિબેટ સરહદ પર ગ્યિરોંગ અને ચંબી ખીણમાં યાડોંગ કાઉન્ટી સુધી રેલ પહોંચશે, જ્યાં 2017માં ડોકલામમાં ભારત-ચીન વચ્ચે સૈન્ય અથડામણ થઈ હતી.
ભારતે હજુ સુધી આ યોજના અંગે સત્તાવાર કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ તે પોતાની સરહદ પર અવરોધ વિકસાવીને ચીન સાથે સમાન તાકાત જાળવી રહ્યું છે. આ પરિયોજના માત્ર મહત્વાકાંક્ષી જ નહીં, પરંતુ આક્રમક પણ લાગે છે.
આ પણ વાંચો…1962ના યુદ્ધમાં ચીને ભારતની 38,000 ચો.કિ.મી. જમીન પચાવી: સંસદમાં સરકારનો ખુલાસો