નેશનલ

અફઘાનિસ્તાન-ચીન-પાકિસ્તાન એક સાથે! CPEC મામલે ભારતની ચિંતા વધી

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં જ ઉભા થયેલા તણાવ દરમિયાન ચીને પાકિસ્તાને સમર્થન આપ્યું હતું. ચીન લાંબા સમયથી પાકિસ્તાનને વિવિધ ક્ષત્રે મદદ કરીને ભારત પર દબાણ બનવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

ચીન તેના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) હેઠળ ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર(CPEC) વિકસાવી રહ્યું છે, જેનો ભારત વર્ષોથી વિરોધ કરી રહ્યું છે. એવામાં ભારતનો વધુ એક પાડોશી દેશ અફઘાનિસ્તાન CPEC જોડાયો છે.

એક અહેવાલ મુજબ, બુધવારે ચીનની રાજધાની બેઇજિંગમાં ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના પ્રતિનિધિઓ વચ્ચે એક અનૌપચારિક ત્રિપક્ષીય બેઠક (China-Pakistan-Afghanistan Trilateral meeting) યોજાઈ હતી, દરમિયાન ત્રણેય દેશ ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર(CPEC)ને અફઘાનિસ્તાન સુધી વિસ્તારવા સંમત થયા હતા.

આપણ વાંચો: ચીની એન્જિનિયરોએ પાકિસ્તાન છોડવા માંડ્યા તો પીએમ શાહબાઝે……

ઇશાક ડાર પાકિસ્તાનના પ્રવાસે:

ભારત સાથેના તાજેતરના તણાવ બાદ ઇશાક ડાર બેઇજિંગની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા છે. અહેવાલ મુજબ બેઠક દરમિયાન પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન, ઇશાક ડાર, ચીનના વિદેશ પ્રધાન વાંગ યી અને અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીએ પોતપોતાના દેશોમાં વેપાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસને વેગ આપવા માટેના રાજદ્વારી જોડાણો અને પગલાં અંગે ચર્ચા કરી હતી.

બેઠક દરમિયાન ત્રણેય દેશો બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) પર સહયોગને વધુ ગાઢ બનાવવા અને ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) ને અફઘાનિસ્તાન સુધી વિસ્તારવા સંમત થયા હતાં.

આપણ વાંચો: ગ્લોબલ સાઉથનો અવાજ બન્યુ ભારત તો ચીનની નિંદર થઇ વેરણ

પાકિસ્તાનનું નિવેદન:

બેઠક પછી, X પર એક પોસ્ટમાં, ઇશાક ડારે કહ્યું, “પાકિસ્તાન, ચીન અને અફઘાનિસ્તાન પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે સાથે ઉભા છે.”

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં, તેમણે જાહેરાત કરી કે વિદેશ મંત્રીઓની છઠ્ઠી ત્રિપક્ષીય બેઠક કાબુલમાં વહેલી તકે, પરસ્પર અનુકૂળ તારીખે યોજાશે. વિદેશ મંત્રાલયે કહ્યું, “આ મુલાકાતે મિત્રતાને ફરીથી મજબૂત બનાવી છે અને આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક શાંતિ અને વિકાસ માટે તેમના સહિયારા દ્રષ્ટિકોણને આગળ વધાર્યો છે.”

ભારતની ચિંતા કેમ વધી?

કોઈ ત્રીજા દેશમાં ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) ના વિસ્તરણ સામે ભારત અગાઉ પણ વાંધો ઉઠાવી ચુક્યું છે.

નોંધનીય છે કે અફઘાનિસ્તાન વર્ષોથી ભારત મિત્ર રાષ્ટ્ર રહ્યું છે, પરંતુ 2021માં તાલીબાને સત્તા સાંભળ્યા બાદ આ સમીકરણો બદલાયા છે. ભારતે સત્તાવાર રીતે તાલિબાન સરકારને માન્યતા આપી નથી, અને શરૂઆતમાં, કાબુલમાં ભારતની રાજદ્વારી હાજરી ઓછી કરવામાં આવી હતી. આમ છતાં, ભારતે તાલિબાનના નેતૃત્વ હેઠળના વહીવટીતંત્ર સાથે માનવતાવાદી સહાય અને રાજદ્વારી સંપર્ક દ્વારા કેટલાક અંશે ફરીથી સંબંધો શરુ કર્યા છે.

ચીન અને પાકિસ્તાનના જોખમોનો સામનો કરવા અફઘાનિસ્તાન સાથેના ભારતના સંબંધો મહત્વના માનવામાં આવે છે, એવામાં CPEC મામલે અફઘાનિસ્તાને ચીન અને પાકિસ્તાનને સહકાર આપતા ભારતને મોટો ફટકો પડી શકે છે. ભારત આ નિર્ણય સામે કેવા પગલા ભરે એ જવું રહ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button