ઇન્ટરનેશનલનેશનલ

પાકિસ્તાનને ચીન કરી રહ્યું છે સબમરીન સપ્લાય! ભારતીય નેવીએ કર્યો સનસનીખેજ ખુલાસો

નવી દિલ્હી: પાકિસ્તાન અને ચીનની ભાઈબંધીની વાત ભારત માટે કોઈ નવી વાત નથી. પરંતુ અનેક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન અને ચીનના સબંધો વધુ નજીક આવી રહ્યા છે અને હવે તે માત્ર સમર્થન આપવા સુધી સીમિત નથી રહ્યા. તાજેતરમાં જ નેવીને અહેવાલો મળ્યા છે કે ચીન પાકિસ્તાનને સબમરીન સપ્લાય કરી રહ્યું છે. ભારતીય નૌકાદળના ડેપ્યુટી ચીફ વાઇસ એડમિરલ સંજય વાત્સાયને આ માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે નૌકાદળ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને દેશની દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લઈ રહ્યું છે. નવીનતા અને સ્વદેશીકરણ પર સ્વાવલંબન 2025 કાર્યક્રમ નવી દિલ્હીમાં યોજાયો હતો. અગાઉ પત્રકારો સાથે વાત કરતા, તેમણે સ્વીકાર્યું કે ચીને તેના ત્રીજા વિમાનવાહક જહાજ, ફુજિયનને નૌકાદળના કાફલામાં સામેલ કર્યું છે.

વિદ્યુત-ચુંબકીય પ્રક્ષેપણ પ્રણાલી (Electromagnetic Launch System)થી સજ્જ આ યુદ્ધજહાજને ચીનનું સૌથી આધુનિક જહાજ ગણાવવામાં આવી રહ્યું છે. આ જહાજને આ મહિનાની શરૂઆતમાં એક ગુપ્ત કાર્યક્રમ દરમિયાન સેવામાં સામેલ કરવામાં આવ્યું હતું, જેમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ હાજર હતા.

ચીન તરફથી પાકિસ્તાનને સબમરીન અને અન્ય સૈન્ય ઉપકરણો આપવા વિશે પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ‘આ સાચું છે અને અમને તેની સંપૂર્ણ જાણકારી છે. અમને ખબર છે કે ચીન પાકિસ્તાનને સબમરીન આપી રહ્યા છે. તેની તૈનાતી ખૂબ જ જલદી શરૂ થશે. અમે દરેક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.’

બીજી તરફ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે અમેરિકી સંસદને સોંપવામાં આવેલા એક તાજેતરના રિપોર્ટની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે આ રિપોર્ટ મે મહિનામાં ચાર દિવસ ચાલેલા સંઘર્ષ દરમિયાન ભારત પર પાકિસ્તાનની સૈન્ય સફળતાના દાવાને સમર્થન આપે છે. જોકે, પાકિસ્તાનના મુખ્ય સહયોગી ચીને આ રિપોર્ટને ભ્રામક માહિતી ગણાવીને ફગાવી દીધો છે. ડોન અખબારના સમાચાર અનુસાર, PoKમાં એક કાર્યક્રમમાં શરીફે સેના પ્રમુખ અસીમ મુનીરના નેતૃત્વની પણ પ્રશંસા કરી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button