ચીનના બંધથી બ્રહ્મપુત્રને અસર નહીં? આસામના CMનું નિવેદન

ગુવાહાટીઃ આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ બ્રહ્મપુત્ર નદી પર વિશ્વના સૌથી મોટા બંધના નિર્માણના ચીનના પગલા અંગેની આશંકાઓને દૂર કરવાનો પ્રયાસ કરતાં જણાવ્યું કે તેમને તાત્કાલિક ચિંતાનું કોઇ કારણ દેખાતું નથી. કારણ કે નદીને મોટા ભાગનું પાણી ભૂટાન અને અરૂણાચલ પ્રદેશમાંથી મળે છે.
એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં સરમાએ જણાવ્યું કે આ વિશાળ બંધની વાસ્તવિક અસર હજુ સુધી જાણી શકાઇ નથી, કારણ કે તેને લઇને વિવિધ ધારણાઓ કરવામાં આવી રહી છે. તેમણે આશા વ્યક્ત કરી કે કેન્દ્ર સરકાર આ મુદ્દે ચીન સાથે સંપર્કમાં રહેશે.
આ પણ વાંચો: ચીન બ્રહ્મપુત્ર નદી બનાવશે વિશ્વનો સૌથી મોટો ડેમ: ભારત શા માટે કરી રહ્યું છે વિરોધ? જાણો કારણ
ઉલ્લેખનીય છે કે બંધનું બાંધકામ ગયા અઠવાડિયે શરૂ થયું હતું. ચીને શનિવારે ઔપચારિક રીતે તિબેટમાં બ્રહ્મપુત્ર નદી પર ૧૬૭.૮ અબજ ડોલરના ખર્ચે બનનાર બંધનું બાંધકામ શરૂ કરી દીધું હતું. આ બંધ ભારતની સરહદ નજીક અરૂણાચલ પ્રદેશમાં સ્થિત છે.
સરમાએ પત્રકારોને જણાવ્યું કે મને અત્યારે ચિંતા નથી કારણ કે બ્રહ્મપુત્ર એક વિશાળ નદી છે અને તે કોઇ એક સ્ત્રોત(પાણી) પર નિર્ભર નથી. આસામ પર બંધની સંભવિત અસર વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે આ સારું હશે કે ખરાબ તે હજુ નક્કી નથી.
આ પણ વાંચો: દેશની સુરક્ષા માટે ગંભીર ખતરો બનશે બ્રહ્મપુત્ર નદી પર ચીનનો ડેમ, કોંગ્રેસ સાંસદની ચેતવણી…
બ્રહ્મપુત્રને તેનું મોટા ભાગનું પાણી ભૂટાન અને અરૂણાચલ પ્રદેશમાંથી મળે છે તેમ જ વરસાદનું પાણી અને અન્ય પ્રકારનું પાણી અમારા રાજ્યમાંથી મળે છે. મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું કે ચીન દ્વારા બંધ અંગે બે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યા છે.