ચીન પણ હવે ટ્રમ્પના રસ્તે! ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં મધ્યસ્થી કરાવી હોવાનો ચીનનો દાવો

બેઇજિંગ: ભારત અને પાકિસ્તાન વચ્ચે આ વર્ષે મે મહિનામાં 4 દિવસ સુધી સશસ્ત્ર સંઘર્ષ ચાલ્યો હતો, ત્યાર બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ માટે સહમત થયા હતાં. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત દાવો કરી રહ્યા છે, કે તેમણે આ યુદ્ધ વિરામ માટે મધ્યસ્થી કરી હતી, ભારતે તેમના આવા દાવા વારંવાર ફગાવ્યા છે. એવામાં ચીને પણ આ મામલે જંપલાવ્યું છે અને દાવો કર્યો છે કે ચીને ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરાવી હતી.
બેઇજિંગમાં આયોજિત “આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને ચીનના વિદેશ સંબંધો પર પરિસંવાદ” કાર્યક્રમમાં સંબોધન આપતા ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ દાવો કર્યો હતો કે ચીને આ વર્ષે દુનિયામાં ઘણાં દેશો વચ્ચેના તણાવો ઉકેવામાં મધ્યસ્થી કરી હતી.
આ મુદ્દાઓ ઉકેલ્યા હોવાનો દાવો:
વાંગ યીએ દાવો કર્યો કે બીજા વિશ્વયુદ્ધના અંત પછી આ વર્ષે સૌથી વધુ સ્થાનિક યુદ્ધો અને સરહદ પારના સંઘર્ષો થયા હતાં. દુનિયાભારમાં ભૂ-રાજકીય અશાંતિ ફેલાયેલી રહી. આવા જ્વલંત મુદ્દાઓના સમાધાન માટે ચીનના આ અભિગમને અનુસરીને, અમે ઉત્તરી મ્યાનમાર, ઈરાનાનાં ન્યુક્લિયર પ્રોગ્રામનો મુદ્દો, પાકિસ્તાન અને ભારત વચ્ચેના તણાવ, પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચેના મુદ્દાઓ અને કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચેના તાજેતરના સંઘર્ષમાં મધ્યસ્થી કરી હતી.
ભારતની પ્રતિક્રિયાની રાહ:
ચીનન વિદેશ પ્રધાનની તાજેતરની ટિપ્પણી ભારત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પણ એક અહેવાલ મુજબ અધિકારીઓ ચીનના દાવાને વિચિત્ર અને હાસ્યાસ્પદ ગણાવી રહ્યા છે.
નોંધનીય છે કે ભારતે વારંવાર સ્પષ્ટ કર્યું છે પાકિસ્તાન વચ્ચેનો યુદ્ધ વિરામની સમજુતી બંને દેશોની સેનાઓના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ(DGMO) વચ્ચે થયેલી સીધી વાતચીત દ્વારા કરવામાં આવી હતી. બંને દેશોના મુદ્દાઓમાં ત્રીજા પક્ષના હસ્તક્ષેપ માટે કોઈ સ્થાન નથી.
ભારત-પાક સંઘર્ષ:
નોંધનીય છે કે આ વર્ષે 22 એપ્રિલના રોજ ભારતના જમ્મુ અને કાશ્મીરના પર્યટન સ્થળ પહેલગામમાં સરહદ પારથી આવેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં 26 લોકોના મોત નીપજ્યા હતાં. ભારતમાં જનાક્રોશ બાદ 7 મેન રોજ ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર(PoK)માં આવેલા આતંકવાદી ઠેકાણાંને નિશાન બનાવતા ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. ત્યાર બાદ પાકિસ્તાન તરફથી પણ ભારતના સરહદી વિસ્તારોમાં હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ચીન પાકિસ્તાનનો લાભ ઉઠાવી રહ્યું છે!
નોંધનીય છે કે, ચીન વર્ષોથી પાકિસ્તાનનું મિત્ર રહ્યું છે, ભારત વિરોધી કાર્યવાહી માટે પાકિસ્તાનને મદદ કરી રહ્યું છે. પાકિસ્તાનના ડિફેન્સ એક્ષ્પોર્ટમાં 81% હિસ્સો પાકિસ્તાને મોકલવા આવે છે. ભારતીય અધિકારીઓએ કહ્યું છે કે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષમાં ચીને તેના શસ્ત્રોની કેપેસિટીનું ટેસ્ટીંગ કર્યું હતું.



