ચીનનો દાવો: ભારત સાથે સરહદ વિવાદનો ઉકેલ, 5 વર્ષનો તણાવ થશે ઓછો

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે પણ સરહદનો વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ તાજેતરમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યીની ભારતના પ્રવાસે આવ્યા હતા. તેમની આ મુલાકાત બાદ, ચીનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે ભારત અને ચીન વચ્ચેનો એક મોટો સરહદી વિવાદ ઉકેલાઈ ગયો છે. આ નવા કરારથી છેલ્લા પાંચ વર્ષથી સરહદ પર ચાલી રહેલો તણાવ ઘટવાની શક્યતા છે.
ભારત-ચીન વચ્ચે ‘સામાન્ય સમજૂતી’
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે જણાવ્યું કે, 18 અને 19 ઓગસ્ટના રોજ વિદેશ પ્રધાન વાંગ યીની નવી દિલ્હી મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની વાતચીત બાદ આ સમજૂતી થઈ છે. આ ઉપરાંત, વાંગ યી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા.
આ પણ વાંચો: હિન્દી ચીની ફરી ભાઈ ભાઈ! ચીન ભારતને આ વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવા તૈયાર
સરહદ પર શાંતિ સ્થાપવા પર ભાર
માઓ નિંગે વધુમાં જણાવ્યું કે, બંને દેશો વિવિધ ક્ષેત્રોમાં સંવાદની પદ્ધતિઓ ફરીથી શરૂ કરવા, સહયોગ વધારવા, બહુપક્ષીયતા જાળવી રાખવા અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે સંમત થયા છે. ખાસ કરીને સરહદના મુદ્દા પર, બંને પક્ષો સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુલેહ-શાંતિ જાળવવા તેમજ જ્યાં શરતો પૂરી થાય ત્યાં સરહદ વાટાઘાટો ફરી શરૂ કરવા માટે એક નવી સમજૂતી પર પહોંચ્યા છે.
આંતરરાષ્ટ્રીય સહયોગ પર ભાર
વાંગ યીએ ભારતની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ ચીન-ભારત સંબંધોના વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂકે છે. તેમણે વડાપ્રધાન મોદીને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન લી કેકિયાંગ તરફથી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આ જાહેરાતથી આશા છે કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો થશે અને સરહદ પર તણાવ ઓછો થશે.