
નવી દિલ્હી : ચીન ભારતીય સરહદને અડીને આવેલા વિસ્તારમાં એક એર ડિફેન્સ બિલ્ડીંગ બનાવી રહ્યું છે. તેમાં કમાન્ડ અને કંટ્રોલ બિલ્ડીંગ, બેરેક, વાહન શેડ, દારૂગોળો સંગ્રહ સુવિધાઓ અને રડાર પોઝિશન સહિત અનેક બિલ્ડીંગનો સમાવેશ થાય છે. આ અંગે પ્રકાશમાં આવેલી સેટેલાઇટ તસવીરોમાં આ બિલ્ડીંગ તિબેટમાં પેંગોંગ તળાવના પૂર્વ કિનારા પર બનાવવામાં આવી રહ્યું છે. જે વર્ષ 2020 માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણના સ્થળથી આશરે 110 કિલોમીટર દૂર છે.
સ્લાઇડિંગ છતવાળા બંકરોનું નિર્માણ
આ બિલ્ડીંગમાં સ્લાઇડિંગ છતવાળા ઢંકાયેલા બંકરો પણ છે. જે ટ્રાન્સપોર્ટર ઇરેક્ટર લોન્ચર વાહનો માટે બનાવાયેલ છે, જે લાંબા અંતરની મિસાઇલનું પરિવહન અને ફાયરિંગ કરે છે. આ અંગે મળતી માહિતી મુજબ આ બંકરો HQ-9 મિસાઇલોને સુરક્ષિત રાખવા માટે બનાવાયેલ છે. આ બંકરો એક સાથે બે TEL રાખી શકાય તેટલા વિશાળ છે.
એશિયામાં સ્થિરતાને જોખમ
અમેરિકન કંપની ઓલસોર્સ એનાલિસિસના જણાવ્યા અનુસાર ચીનનું આ પગલું તેના પરમાણુ અને પરંપરાગત મિસાઇલ ક્ષમતાઓના વિસ્તરણ અને આધુનિકીકરણનો એક ભાગ છે. નિષ્ણાતો કહે છે કે આ વિસ્તરણ માત્ર ભારત માટે જ નહીં પરંતુ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તાઇવાન અને અમેરિકા હિતો માટે પણ સુરક્ષા પડકાર ઉભો કરે છે. આ પગલું તિબેટ પ્રદેશને લશ્કરી લોન્ચપેડમાં ફેરવી રહ્યું છે અને સમગ્ર એશિયામાં સ્થિરતાને જોખમમાં મૂકી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ચીન પહેલાથી જ દક્ષિણ ચીન સમુદ્રમાં વિવાદિત ટાપુઓ પર સમાન સંકુલ બનાવી ચૂક્યું છે. જોકે, ભારત-તિબેટ સરહદ પર આ પ્રકારનું પ્રથમ સંકુલ જોવા મળ્યું છે.
આ પણ વાંચો…ચીનનો માનવજાત માટે ક્રાંતિકારી આવિષ્કાર, હવે 150 કિમી પ્રતિકલાકની ઝડપે ઊંડી શકશે માનવી…



