નવી દિલ્હી : ચીનને ભારત તરફથી મોટો આંચકો લાગ્યો છે. જેમાં ચીનની(China)બહુરાષ્ટ્રીય કંપની વિવો હવે ભારતના નિયંત્રણ હેઠળ ભારતમાં સ્માર્ટફોન બનાવશે. ભારત સરકારના નીતિગત દબાણને કારણે ચીની કંપની વિવોને ભારતીય કંપની ડિક્સન ટેક્નોલોજીસ સાથે સંયુક્ત સાહસ કરવાની ફરજ પડી છે. ડિક્સન ટેક્નોલોજી આ સંયુક્ત સાહસમાં 51
ટકા હિસ્સો ધરાવે છે. જયારે 49 ટકા શેર વીવો કંપની પાસે રહેશે. એટલે કે ચીની મોબાઈલ જાયન્ટ ભારતીય કંપનીના
જુનિયર પાર્ટનર તરીકે ભારતમાં સ્માર્ટફોનનું ઉત્પાદન કરશે. આ સમાચાર પછી ડિક્સન ટેક્નોલોજીના શેરમાં પાંચ ટકાનો ઉછાળો આવ્યો છે.
ડિક્સને વીવો સાથે સંયુક્ત સાહસની રચના કરવાની જાહેરાત કરી
સોમવારે સવારે બજાર ખૂલ્યા બાદ ડિક્સન ટેક્નોલોજીસના શેર રેકોર્ડ ઊંચાઈને સ્પર્શી ગયા હતા અને સર્વકાલીન ઊંચાઈએ પહોંચી ગયા હતા. છેલ્લા પાંચ વર્ષમાં ડિક્સનના શેરે 2416 ટકા વળતર આપ્યું છે. 15 ડિસેમ્બરે જ ડિક્સને વીવો સાથે સંયુક્ત સાહસની રચના કરવાની જાહેરાત કરી હતી. તેની બાદ બજાર ખુલતાની સાથે જ ડિક્સનના શેરમાં વધારો થવા લાગ્યો. બપોર બાદ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં કંપનીના શેરના ભાવ રૂપિયા 18,785 પર ઉછળ્યા હતા.
છેલ્લા પાંચ દિવસમાં ડિક્સનના શેરમાં 8.68 ટકાનો વધારો
જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં તે રૂપિયા 18,791 પર ટ્રેડ કરી રહ્યો હતો. છેલ્લા પાંચ દિવસમાં ડિક્સનના શેરમાં 8.68 ટકાનો વધારો થયો છે. એક મહિનામાં 26.06 ટકાનો વધારો થયો છે. છેલ્લા છ મહિનામાં 61.76 ટકા અને એક વર્ષમાં 197.75 ટકાનો વધારો થયો છે. કુલ બજાર મૂડી 1 લાખ 12 હજાર 183 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
Also Read – Digital India: યુપીઆઇ ટ્રાન્જેક્શન્સનો આંકડો નવા વિક્રમી સ્તરે પહોંચ્યો: નાણાં મંત્રાલય
ભારતીય એન્ડ્રોઈડ માર્કેટમાં મજબૂત પકડ બનાવશે
વીવો સાથેની ભાગીદારી ડિક્સન ટેક્નોલોજીસને સ્માર્ટફોન માર્કેટમાં મજબૂત પકડ મેળવવામાં મદદ કરશે. વિવો ઈન્ડિયાના સીઈઓ જેરોમ ચેને પ્રસ્તાવિત સાહસ અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ટર્મ શીટ ડિક્સન સાથે સાઈન કરવામાં આવી છે. અમે મજબૂતાઈ સાથે ભારતીય એન્ડ્રોઈડ માર્કેટમાં પ્રવેશ કરીશું.