રાજસ્થાન-મધ્યપ્રદેશમાં કફ સિરપે લીધો બાળકોનો જીવ! સરકારે તાપસ શરુ કરી...
નેશનલ

રાજસ્થાન-મધ્યપ્રદેશમાં કફ સિરપે લીધો બાળકોનો જીવ! સરકારે તાપસ શરુ કરી…

નવી દિલ્હી: વર્ષ 2023માં આફ્રિકાના દેશ ગામ્બિયામાં ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલી કફ સિરપ પીવાથી 70 બાળકોના મોત થયા હતાં. હવે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ઉત્પાદિત કફ સિરપ ફરી એક વાર વિવાદમાં ઘેરાઈ છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કફ સિરપ લીધા બાદ બાળકોના મોતના બનાવો બનતા ખળભળાટ મચી ગયો છે. હાલ બંને રાજ્યોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

અહેવાલ મુજબ રાજસ્થાન સરકાર માટે ઉત્પાદિત સામાન્ય કફ સિરપ લેવા લેવાથી છેલ્લા બે અઠવાડિયામાં રાજ્યમાં બે બાળકોના મોત થયા છે, 10 અન્ય લોકો બીમાર પડ્યા છે.

રાજસ્થાનમાં બે બાળકોનો જીવ ગયો:
અહેવાલ મુજબ કેસન ફાર્મા નામની ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ડેક્સ્ટ્રોમેથોર્ફન હાઇડ્રોબ્રોમાઇડ કમ્પાઉન્ડ ધરાવતી કફ સિરપ બનાવવામાં આવી હતી, જે રાજસ્થાન સરકારે ખરીદી હતી. રવિવારે સીકર જિલ્લાના ચિરાનાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર(CHC)માં ફરજ પર હાજર ડોકટરે શરદી અને ખાંસીથી પીડાતા એક 5 વર્ષીય બાળક માટે આ કફ સીરપ આપી હતી.

બાળકના માતા-પિતાએ રાત્રે લગભગ 11.30 વાગ્યે તેને સિરપ આપી હતી, બાળકને રાત્રે ૩ વાગ્યે હેડકી શરુ થઇ હતી, માતાપિતા બાળકને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

આ ઘટના પ્રકાશમાં આવતા ભરતપુરના રહેવાસી દંપતીએ ફરિયાદ કરી કે 22 સપ્ટેમ્બરના રોજ તેમના 2 વર્ષના દીકરાનું આવા જ સંજોગોમાં મોત થયું હતું. તેમણે પણ જણાવ્યું કે તેમના બાળકને પણ આ જ કફ સીરપ આપવામાં આવી હતી.

ડોક્ટર પણ બીમાર પડ્યા:
રાજસ્થાનના બયાના વિસ્તારમાં 3 વર્ષીય બાળકના માતા પિતાએ કફ સિરપ અંગે ફરિયાદ કરતા PHCના આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ ડોકટરે પોતે સીરપનો ડોઝ લીધો હતો અને એમ્બ્યુલન્સ ડ્રાઇવરને પણ સિરપ પીવડાવી હતી. થોડા સમય બાદ બંનેની તબીયાર લથડી હતી.

રાજસ્થાન સરકારે આ કફ સીરપના 22 બેચ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજસ્થાનના તબીબી વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ કે આ વર્ષે જુલાઈથી રાજસ્થાનમાં દર્દીઓને સીરપની 1.33 લાખ બોટલ આપવામાં આવી છે.

મધ્યપ્રદેશમાં છ બાળકોનો ભોગ લેવાયો:
અહેવાલ મુજબ મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં પણ કફ સિરપ લીધા બાદ કિડનીમાં ચેપ લાગવાથી છેલ્લા મહિનામાં છ બાળકોના મૃત્યુ થયા છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ સિરપ લીધા બાદ બાળકોને અત્યંત તાવ આવવા અને પેશાબ કરવામાં મુશ્કેલી પડવા જેવી તકલીફો શરુ થઇ હતી. આ ઘટનાઓ બાદ, અધિકારીઓએ બે સિરપના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે અને દેખરેખનો આદેશ આપ્યો છે.

નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) ની એક કેન્દ્રીય ટીમે મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના સરકારી દવાખાનોમાંથી કફ સિરપના સેમ્પલ એકઠા કર્યા છે અને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button