‘ઓપરેશન સિંદૂર’ માટે IPS વિકાસ સુંડાનું વિશેષ સન્માન: કોણ છે ગુજરાત કેડરના આ જાંબાઝ અધિકારી?

કચ્છ-બનાસકાંઠા સરહદ પર નિભાવી હતી મહત્ત્વની જવાબદારી
ગાંધીનગર/ભુજઃ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. ‘ઓપરેશન સિંદૂર’ માટે અનેક વીરોનું સન્માન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી વિકાસ સુંડાનું પણ ઓપરેશન સિંદૂર માટે સન્માન કરવામાં આવ્યું છે. ભારતના સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડાનું સન્માન કર્યું હતું. ઓપરેશન સિંદૂર વખતે આઈપીએસ વિકાસ સુંડાએ, જે સરાહનીય કામગીરી કરી તે માટે આર્મી ચીફ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. શું તમને ખબર છે આ જાબાંજ અધિકારી વિકાસ સુંડા છે કોણ?
‘ઓપરેશન સિંદૂર’ વખતે બે જિલ્લાનું સંચાલન કર્યું હતું
ગુજરાતમાં કચ્છ અને બનાસકાંઠા બે એવા જિલ્લા છે તેની પાકિસ્તાનની સરહદે આવેલા છે. ‘ઓપરેશન સિંદૂર’ વખતે આ બે જિલ્લા હાઈ એલર્ટ પર રહ્યા હતાં. કચ્છમાં, પૂર્વ અને પશ્ચિમ એમ બે એસપી જિલ્લાનું સંચાલન કરે છે. ‘ઓપરેશન સિંદૂર’ વખતે કચ્છમાં પોતાના ઉત્તમ કાર્ય માટે એસપી વિકાસ સુંડાને સ્વતંત્રતા દિવસ 2025ના રોજ ‘ચીફ ઓફ આર્મી સ્ટાફ’ પ્રશંસા કાર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. એટલું જ નહીં, પણ આ ઉત્તમ કાર્ય માટે ગુજરાતના DGP વિકાસ સહાયે પણ આઈપીએસ વિકાસ સુંડાને અભિનંદન પાઠવ્યા હતાં.
કચ્છમાં ખૂબ જ એક્ટિવ થઈને કામગીરી કરી રહ્યા છે
વિકાસ સુંડાનો જન્મ 29 સપ્ટેમ્બર 1992માં થયો હતો. કોલેજનો અભ્યાસ પૂર્ણ કરીને તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. વિકાસ સુંડા ગુજરાત કેડર 2018ની બેન્ચના આઈપીએસ અધિકારી છે. મૂળ તેઓ રાજસ્થાનના બીકાનેરના રહેવાસી છે. વિકાસ સુંડા રમત ક્ષેત્રમાં બાસ્કેટબોલ રમે છે. ભલે તેઓ આઈપીએસ અધિકારી બન્યા હોય, પરંતુ તેમની અંદરનો ખેલાડીજીવ પણ હંમેશાં જીવંત રહે છે.
યુવાનોને પણ રમતગમતના ક્ષેત્રે જોડવવા માટે પણ પ્રોત્સાહન આપે છે. હાલમાં, તેઓ કચ્છમાં એસપી છે, આ પહેલા પણ ગુજરાતમાં અનેક જવાબાદારીઓ નિભાવી ચૂક્યાં છે. ગત ડિસેમ્બરમાં વિકાસ સુંડાને કચ્છના એસપી બનાવવામાં આવ્યાં હતાં. કચ્છમાં ખૂબ જ એક્ટિવ થઈને કામગીરી કરી રહ્યાં છે.
ભારતીય સેનાના પ્રમુખે પણ સુંડાના કામની કરી હતી પ્રશંસા
ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અત્યારે કચ્છમાં આવેલા છે. આ દરમિયાન રાજનાથ સિંહ અને ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ એસપી વિકાસ સુંડાની મુલાકાતે પહોંચ્યાં હતાં. મુલાકાત દરમિયાન વિકાસ સુંડાની ખૂબ જ પ્રશંસા પણ કરવામાં આવી હતી. સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા વિકાસ સુંડાને તેમના સારા કાર્ય માટે સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ભુજ પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત IPS વિકાસ સુંડા દ્વારા કરવામાં આવ્યું હતું.