‘મર્સિડીઝ-BMW’ના સપના જોતા વકીલોને CJI ગવઈએ આપી સલાહ, જાણો શું કહ્યું

અમરાવતી: ભારતની સુપ્રીમ કોર્ટના 52માં ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ જ્યારે પણ કોઈ જાહેર કાર્યક્રમમાં ભાગ લે છે. ત્યારે પોતાના સંબોધનમાં લોકોને ઉપયોગી થાય એવા કેટલાક સૂચનો કરે છે. તાજેતરમાં તેમણે નવા વકીલોને કેટલીક ખાસ સલાહ આપી છે.
નવા વકીલોનો હેતુ સમજો
મહારાષ્ટ્ર ખાતેના દારાપુર ગામે રિપ્બલિકન પાર્ટીના સ્વર્ગસ્થ નેતા આર.એસ. ગવઈની યાદમાં પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. પોતાના પિતાના માનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સીજેઆઈ બી.આર. ગવઈએ ભાગ લીધો હતો અને સંબોધન કર્યું હતું.
પોતાના સંબોધનમાં નવા વકીલોને સલાહ આપતા સીજેઆઈ બી.આર. ગવઈએ જણાવ્યું હતું કે, “જો કોઈ વકીલ શરૂઆતથી જ કોઈપણ અનુભવ વગર કોર્ટમાં વાદવિવાદ કરવા ઈચ્છે છે અને છ મહિનામાં મર્સિડીઝ અને બીએમડબલ્યુ જેવી મોંઘી ગાડી ખરીદવા ઈચ્છે છે. તો આપણે તેના હેતુને સારી રીતે સમજવો જોઈએ.”
આ પણ વાંચો: ‘વકીલો કામ કરવા નથી માંગતા, દોષ અમારા પર આવે છે’ CJI ગવઈ કેમ ગુસ્સે થયા?
ખુરસી લોકોની સેવા માટે છે
સીજેઆઈએ વધુમાં જણાવ્યું હતું કે, “મેં જૂનિયર વકીલોને પોતાના સિનિયર વકીલને સીટ આપતા જોયા નથી. આ પ્રકારનો એક બનાવ પણ સામે આવ્યો હતો, જેમાં જજે એક જૂનિયર વકીલને બરખાસ્ત કરી દીધો હતો. ત્યારે તે જૂનિયર વકીલ કોર્ટમાં બેફાન થઈને ઢળી પડ્યો હતો. જજ અને વકીલ બંને એકસરખા ભાગીદાર છે. ખુરસી લોકોની સેવા માટે હોય છે. તેની શક્તિને માથા પર હાવી થવા દેવી જોઈએ નહીં.”