દુઃખદ પરિસ્થિતિ! છત્તીસગઢનો વિકાસ ખાડે ગયો, 7 કિમી સુધી દર્દીને ખાટલામાં લઈને ચાલ્યા પરિજનો

કોરબા, છત્તીસગઢઃ છત્તીસગઢના કોરબા જિલ્લામાં લોકો તેમની પાયાની પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત જોવા મળી રહ્યાં છે. અહીંના વિસ્તારોમાં આરોગ્યની સુવિધાઓ પહોંચી જ નથી. જેના કારણે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યાં છે. આરોગ્યા સુવિધાની વાત તો દૂર પરંતુ હોસ્પિટલ જવા માટે સરખો રસ્તો પણ નથી. એક પરિવારને દર્દીને ખાટલા પર બેસાડીને સાત કિલોમીટર ચાલીને ગ્રામ પંચાયત બારીઉમારાવના જલહાલ ગામ સુધી જવું પડ્યું હતું.
અહીં આવવા માટે રોડ ના હોવાથી એમ્બ્યુલન્સ આવી જ ના શકી!
જલહાલ ગામમાં રહેતા રામધન એક્કાની પત્ની કરસીલા એક્કા એક બીમારીનો ભોગ બન્યા હતા. તેમને અતિશળ તાવ આવી રહ્યો હતો. તેમની બગડતી તબિયત જોઈને રામધન એક્કાએ એમ્બ્યુલન્સ બોલાવી હતી પરંતુ એમ્બ્યુલન્સ ન આવી. આ દરમિયાન ભારે વરસાદ પડી રહ્યો હતો. પરિવારજનો ઉતાવળમાં દર્દીને ધોધમાર વાદળો વચ્ચે ખાટલા પર લિમગાંવ ગામમાં લાવ્યા. આ દરમિયાન, દર્દીને વરસાદથી બચાવવા માટે, ખાટલા પર તાડપત્રી ઢાંકવામાં આવી હતી અને દર્દીને છત્રી પણ ઢાંકવામાં આવી હતી. તેઓ રોડ વગરના ગામથી લીમગાંવના મુખ્ય રસ્તા સુધી દર્દી સાથે લગભગ સાત કિલોમીટર ચાલીને જવું પડ્યું હતું.
સારવાર લીધા બાદ મહિલાની તબિયતમાં સુધારો આવ્યો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, પહેલા 7 કિલો મીટર ચાલ્યાં અને બાદમાં ખાનગી વાહનની મદદથી દર્દીને પાલી મુખ્યાલયની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ મહિલાની તબિયતમાં સુધારો આવ્યો હોવાનું પણ જાણાવા મળ્યું છે. જો કે, મહત્વની વાત એ કે, આ સમય દરમિયાન પરિવારને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો લોકોને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધા પણ ના મળતી હોય તો એ ક્ષેત્રનો વિકાસ ખાડે ગયો કહેવાય!
આખરે કેમ લોકોને પાયાની પ્રાથમિક સુવિધાઓ નથી મળતી?
આ સમગ્ર બાબતે ગ્રામજનોનો આરોપ છે કે, લાંબા સમયથી પાલી બ્લોકના જલજલ ગામથી લીમગાંવ ગામ સુધીના રસ્તાની માંગ કરવામાં આવી રહી છે. તેમ છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવી નહોતી. ગામથી મુખ્ય રસ્તાનું અંતર લગભગ સાત કિલોમીટર છે, પરંતુ જિલ્લા વહીવટીતંત્ર રસ્તાના નિર્માણ અંગે ગંભીરતા દાખવી રહ્યું નથી. આખરે તંત્ર રોડ અને રસ્તા માટે કોની રાહ જુએ છે? લોકોને સુધી પાયાની જરૂરિયાતો જ ના પહોંચતી હોય તો તે ક્ષેત્રનો વિકાસ થયો કહેવાય જ નહીં. હવે જોવાનું એ રહે છે કે, આખરે ક્યારે આ વિસ્તારના લોકો માટે રસ્તો બનાવી આપવામાં આવશે.