છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોને સફળતા મળી, ત્રણ નક્સલીઓ ઠાર

સુકમા: દેશના નકસલ પ્રભાવિત રાજ્યોમાંથી સુરક્ષા દળો દ્વારા નક્સલ નાબૂદી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજે છત્તીસગઢના સુકમા જિલ્લામાં સુરક્ષા દળોને સફળતા મળી છે. સુરક્ષા દળો અને નક્સલીઓ અથડામણમાં ત્રણ નક્સલીઓ ઠાર માર્યા ગયા છે. આ નક્સલી પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે. તેમજ તેની બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ શરુ કર્યું છે.
આ વિસ્તારમાં નક્સલીઓ છુપાયા હોવાની માહિતી
આ અથડામણ અંગે સુકમાના એસપીએ જણાવ્યું હતું કે, ડીઆરજીની ટીમ નકસલ પ્રભાવિત વિસ્તાર બેજ્જી અને ચિતાગુફા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોને આ વિસ્તારમાં નક્સલીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ અથડામણમાં અત્યાર સુધીમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા છે અને ઓપરેશન હજુ પણ ચાલુ છે.
બીજાપુરમાં પણ છ નકસલીઓ ઠાર
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સતત નક્સલ નાબૂદી અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત થોડા દિવસ પૂર્વે જ બીજાપુર જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ છ નક્સલવાદીઓને ઠાર માર્યા હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લાના રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં અથડામણમાં છ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. તેમની પાસેથી હથિયારો, વિસ્ફોટકો અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
છત્તીસગઢમાં આ વર્ષે અત્યાર સુધી 262 નક્સલીઓ માર્યા ગયા
છત્તીસગઢમાં આ વર્ષે અત્યાર સુધી 262 નક્સલીઓ માર્યા ગયા છે. જેમાં સૌથી વધારે બસ્તર વિભાગમાં 233 નક્સલીઓ માર્યા ગયા હતા. જેમાં સુકમા સહિત સાત જિલ્લાઓનો સમાવેશ થાય છે. તેમજ રાયપુર વિભાગમાં આવતા ગારિયાબંદ જિલ્લામાં 27 નક્સલી માર્યા ગયા હતા. દુર્ગ વિભાગના મોહલા-માનપુર-અંબાગઢ ચોકી જિલ્લામાં બે નક્સલીઓ માર્યા ગયા હતા.
આ પણ વાંચો…છત્તીસગઢમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, છ નક્સલીઓ ઠાર…



