શોકિંગઃ છત્તીસગઢમાં ચૂંટણી ફરજ પર તહેનાત પોલીસના જવાને કરી આત્મહત્યા

ગારિયાબંધ (છત્તીસગઢ): લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. દરમિયાન છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં ચૂંટણી ફરજ પર તૈનાત એક પોલીસકર્મીએ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
આ ઘટના પીપરછેડી પોલીસ સ્ટેશન વિસ્તારના કુડેરાદાદરમાં બની હતી. પોલીસકર્મીની ઓળખ મધ્યપ્રદેશના રાજપુરના રહેવાસી જિયાલાલ પવાર તરીકે થઈ છે, જે 34મી બટાલિયનની કંપનીમાં તૈનાત હતા. પોલીસ જવાનની આત્મહત્યાની ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોન્સ્ટેબલ પવારે પોતાની સર્વિસ રાઈફલથી પોતાને ગોળી મારી હતી. ગઇકાલે તેઓ ચૂંટણી ફરજ માટે પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં રોકાયા હતા.પોલીસના જણાવ્યા અનુસાર, પવારના આત્મહત્યા પાછળના કારણોને લઇને જાણકારી બહાર આવી નથી. તેમની પાસેથી કોઈ સ્યૂસાઈડ નોટ પણ મળી આવી નથી.
પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. નોંધનીય છે કે બીજા તબક્કામાં રાજ્યની 3 સીટો કાંકેર, મહાસમુંદ, રાજનાંદગાંવ પર મતદાન થયું હતુ. તેમણે કહ્યું કે તરત જ એલર્ટ થયા બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.