છત્તીસગઢના પત્રકારની હત્યા કેસના મુખ્ય આરોપીની ધરપકડ, થઇ શકે છે મોટા ખુલાસા
બીજાપુર: છત્તીસગઢના બીજાપુરમાં પત્રકાર મુકેશ ચંદ્રાકરની હાત્યાનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે (Journalist Mukesh chandrakar murder case) ચર્ચામાં છે, આ કેસમાં છત્તીસગઢ પોલીસની SITને મોટી સફળતા મળી છે. પોલીસે સ્થાનિક કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકરની ધરપકડ કરી છે, જે મુકેશ ચંદ્રાકરની હત્યાના મુખ્ય આરોપી છે, સુરેશની પ્રોપર્ટીમાં આવેલી સેપ્ટિક ટેંકમાંથી મુકેશનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
અહેવાલો અનુસાર, આરોપી સુરેશને મોડી રાત્રે હૈદરાબાદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેની પત્નીની પણ ધરપકડ કરવામાં આવી, હોવાના અહેવાલ છે. જોકે, પોલીસ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. આ પહેલા શનિવારે સુરેશ ચંદ્રાકરના ભાઈ રિતેશ ચંદ્રાકર, સુપરવાઈઝર મહેન્દ્ર રામટેકે અને દિનેશ ચંદ્રાકરની પણ પોલીસે ધરપકડ કરી હતી. શનિવારે પોલીસે આ કેસમાં વધુ તપાસ માટે બીજાપુરના અધિક પોલીસ અધિક્ષક હેઠળ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT) ની પણ રચના કરી હતી.
પત્રકારની નિર્મમ હત્યા:
1 જાન્યુઆરીના રોજ ગુમ થયેલા 33 વર્ષીય પત્રકાર મુકેશ ચંદ્રાકરનો મૃતદેહ 3 જાન્યુઆરીએ ચટ્ટન પરા વિસ્તારમાં કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકરના પરિસરમાં એક સીલબંધ સેપ્ટિક ટાંકીમાંથી મળી આવ્યો હતો. મુકેશના માથા, પીઠ, છાતી, પેટ પર અનેક ઇજાઓ જોવા મળી આવી હતી. મુકેશના મોટા ભાઈ યુકેશ ચંદ્રકરે 2 જાન્યુઆરીના રોજ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની જાણ કરી હતી, ત્યાર બાદ તપાસ શરુ કરવામાં આવી હતી.
કોણ હતા મુકેશ ચંદ્રાકર:
મુકેશ ચંદ્રાકર NDTV અને અન્ય ન્યૂઝ ચેનલો માટે કામ કરતા સ્થાનિક રિપોર્ટર હતા. તેઓ ‘બસ્તર જંક્શન’ નામની યુટ્યુબ ચેનલ પણ ચલાવતા, જેના 159,000 થી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. તેમણે એપ્રિલ 2021 માં કોબ્રા કમાન્ડો રાકેશ્વર સિંહ મનહાસને માઓવાદી પકડમાંથી મુક્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
Also read: છત્તીસગઢના એક ગામમાં સત્તરથી અઢાર વાનરને માર્યાં…
રાજકીય વળાંક:
નાયબ મુખ્ય પ્રધાન વિજય શર્માએ મુખ્ય આરોપી સુરેશ ચંદ્રાકરને કોંગ્રેસના નેતા અને પદાધિકારી ગણાવતાઆ કેસ રાજકીય વળાંક આવ્યો હતો. જો કે, પ્રદેશ કોંગ્રેસ કોમ્યુનિકેશન વિભાગના પ્રમુખ સુશીલ આનંદ શુક્લાએ આ દાવાને વળતો જવાબ આપતાં આરોપ લગાવ્યો હતો કે સુરેશ ચંદ્રાકર તાજેતરમાં જ ભાજપમાં જોડાયો હતો અને પાર્ટીના ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ જી વેંકટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કારણે થઇ હોઈ શકે છે હત્યા:
ડેપ્યુટી સીએમ વિજય શર્માએ શનિવારે સૂચન કર્યું હતું કે NDTV પર તાજેતરમાં અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો કે બીજાપુરમાં રોડ બાંધકામના કામમાં કથિત ભ્રષ્ટાચાર થયો હતો, જે આ હત્યા પાછળનો હેતુ હોઈ શકે છે. જોકે તપાસ બાદ મોટા ખુલાસા થઇ શકે છે, જેમાં રાજકીય નેતાઓ પણ સંડોવાઈ શકે છે.