બીજાપુર : છત્તીસગઢના(Chhattisgarh) બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલ આઈઈડીને (IED) નિષ્ક્રિય કરતી વખતે એક મોટો અકસ્માત થયો હતો. આ દરમિયાન સીઆરપીએફના પાંચ જવાન ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ ઘાયલ થયેલા તમામ જવાનોની હાલત સ્થિર છે. બીજાપુરના તારેમ પોલીસ સ્ટેશન વિસ્તારના ચિન્નાગેલુર વિસ્તારમાં ડિમાઈનિંગ માટે ગયેલા સીઆરપીએફની 153મી બટાલિયનના જવાનોએ નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલ આઈઈડી મળી આવ્યો હતો. જેને CRPFની BDS ટીમ ડિફ્યુઝ કરવાની કાર્યવાહી કરી રહી હતી. આ દરમિયાન IED બ્લાસ્ટ થયો હતો.
બસ્તરમાં નક્સલવાદીઓ સામેની કાર્યવાહી વધુ તીવ્ર
આ ઘાયલ જવાનોમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વૈદ્ય સંકેત દેવીદાસ, ઈન્સ્પેક્ટર સંજય કુમાર, કોન્સ્ટેબલ પવન કલ્યાણ, લછન મહતો અને ધોલે રાજેન્દ્ર આશુરબાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે હાલ બસ્તરમાં નક્સલવાદીઓ વિરુદ્ધ તેજ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. જ્યારે નક્સલવાદીઓ દ્વારા સૈનિકોને તેમના સ્થાનો સુધી પહોંચવા રોકવા માટે મોટી માત્રામાં આઈઈડી લગાવવામાં આવી રહ્યા છે.
બીજાપુરના એસપી જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું કે CRPFના જવાનો ડિમાઈનિંગ માટે નીકળ્યા હતા. IEDને નિષ્ક્રિય કરતી વખતે વિસ્ફોટમાં પાંચ જવાનો ઘાયલ થયા હતા. તમામ જવાનોને નાની મોટી ઈજાઓ થઈ છે. તમામની હાલત સ્થિર છે.