AI-ચેટબોટના જમાનામાં છત્તીસગઢના નાણા પ્રધાને હસ્તલિખિત 100 પાનાનું બજેટ રજૂ કર્યું

રાયપુરઃ આજના યુગમાં કોર્ટના ચુકાદા પણ એઆઇ-સંચાલિત ચેટબોટનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે. ત્યારે છત્તીસગઢના નાણા પ્રધાન ઓ. પી. ચૌધરીએ હિન્દીમાં ૧૦૦ પાનાનું હસ્તલિખિત બજેટ રજૂ કરીને પોતાના વ્યક્તિગત સમર્પણનો પરિચય આપ્યો છે. જે બજેટ તૈયાર કરવાની પ્રક્રિયા પ્રત્યેના તેમના વ્યવહારુ અભિગમ અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ભૂતપૂર્વ આઇએએસ ચૌધરીએ રાજકારણમાં જોડાવા માટે સેવા છોડી દીધી હતી. કારણ કે તેમણે રાજકારણને જનતાની સેવા કરવા માટેના એક મોટા માધ્યમ તરીકે જોયું હતું. છત્તીસગઢ વિધાનસભામાં ૧ એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષ માટે ૪ માર્ચે બજેટ રજૂ કરતાં પહેલાંના દિવસોમાં તેમણે અડધી રાત સુધી કામ કર્યું હતું. આ દરમિયાન તેઓએ માંડ બે કલાકની ઊંઘ લીધી હશે.
આપણ વાંચો: વિશ્વ મહિલા દિવસઃ 39 ટકા જેન્ડર બજેટ સાથે ગુજરાત દેશમાં પ્રથમ
રાજ્યની નાણાકીય યોજના અને ધ્યેયો પ્રત્યે માલિકી અને સમર્પણની ભાવના દર્શાવવાનું આ દુર્લભ કાર્ય નોંધપાત્ર હતું. ખાસ કરીને ત્યારે જ્યારે મોટાભાગના બજેટ દસ્તાવેજો સામાન્ય રીતે અધિકારીઓની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવે છે અથવા તો કોમ્પ્યુટર પર ટાઇપ કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે હું મારું(બજેટ) ભાષણ લખી રહ્યો હતો અને મને સમજાયું કે હસ્તલિખિત દસ્તાવેજ મારી લાગણીઓ, મારી ભાવનાઓ, મારા દ્રષ્ટિકોણ, મારી પ્રતિબદ્ધતા અને મારા જુસ્સાને વધુ વ્યક્ત કરે છે. તેથી મેં વિચાર્યું કે મારે મારા હસ્તાક્ષરમાં લખવું જોઇએ.
આપણ વાંચો: કાશ્મીરમાં છ વર્ષ બાદ રજૂ થયું બજેટ, અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓની સુરક્ષા વ્યવસ્થામાં કરાશે વધારો
તેમણે પોતાના હસ્તલિખિત ૧૦૦ પાનાના દસ્તાવેજને બતાવતા કહ્યું કે એક હસ્તલિખિત દસ્તાવેજ આસક્તિ અને લાગણીઓને વધુ સારી રીતે દર્શાવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે બજેટ પર ૫-૬ મહિનાથી કામ ચાલી રહ્યું હતું, પરંતુ બજેટના ઘટકો પર વાસ્તવિક લેખન પ્રસ્તુતિના લગભગ એક અઠવાડિયા કે ૧૦ દિવસ પહેલા શરૂ થયું હતું.
તેમણે કહ્યું કે હું ચાર રાત(બજેટ રજૂ થયા પહેલા) સુધી ઊંઘી શક્યો ન હતો. હું તે ચાર રાતમાં માંડ ૧-૧.૫ કલાક સૂતો હોઇશ. આ તે સમય હતો જ્યારે મેં બજેટ લખ્યું. આ કાર્ય રાજ્યની નાણાકીય બાબતો પ્રત્યેની તેમની વ્યક્તિગત ભાગીદારી અને પ્રતિબદ્ધતાને દર્શાવે છે, એમ તેમણે જણાવ્યું હતું.