Chhattisgarh Encounter:સુરક્ષા દળોને મોટી સફળતા મળી, 1 કરોડનો ઇનામી નક્સલી જયરામ રેડ્ડી ઠાર મરાયો
ગરિયાબંધ : છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ ગત રાત્રે અથડામણમાં એક કરોડના ઇનામી નક્સલી જયરામ રેડ્ડીને ઠાર માર્યો છે. આ ઓપરેશનમાં કુલ 14 નક્સલીઓ માર્યા ગયા હતા. જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ આને સુરક્ષા દળોની મોટી સફળતા ગણાવી છે.
ગુપ્ત માહિતીના આધારે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું
આ ઓપરેશનમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. છત્તીસગઢના કોબ્રા અને ઓડિશાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સુરક્ષા કર્મચારીઓની સંયુક્ત ટીમ સામેલ હતી. છત્તીસગઢના કુલારીઘાટના રિઝર્વ ફોરેસ્ટમાં નક્સલી છુપાયા હોવાની ગુપ્ત માહિતીના આધારે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
1 કરોડનો ઈનામી જયરામ AK-47 ગન રાખતો
છત્તીસગઢમાં સુરક્ષા દળોએ એક કરોડના ઈનામી ખૂંખાર 61 વર્ષીય જયરામ ઉર્ફે ચલપતિને ઠાર માર્યો હતો. જયરામ ઉર્ફે ચલપતિ નક્સલવાદીઓના કેન્દ્રીય સમિતિનો સભ્ય હતો. તે હંમેશા પોતાની પાસે AK-47રિવોલ્વર રાખતો હતો. જયરામ પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું. તે મૂળ આંધ્રપ્રદેશના ચિંતૂરનો હતો.
જાન્યુઆરી 2021 માં ઓડિશાથી છત્તીસગઢ આવ્યો હતો
લંગડાઇને લાકડીના સહારે ચાલનાર જયરામ બસ્તરમાં પ્રતાપ રેડ્ડી તરીકે જાણીતો હતા. આ ઉપરાંત જયરામ ઓડિશામાં ચલપતિ તરીકે જાણીતો હતો.મળતી માહિતી મુજબ તે પોતાની સાથે મોબાઈલ, રેડિયો અને ટેબ્લેટ રાખતો હતો. જયરામ ડાયાબિટીસથી પીડાતો હતો. તે જાન્યુઆરી 2021 માં ઓડિશાથી છત્તીસગઢ આવ્યો હતો.
ચલપતિની સુરક્ષામાં 9 અંગત રક્ષકો રહેતા હતા
નક્સલી કાર્યવાહીમાં આ મોટી સફળતા છે. જેમાં જયરામ ઉર્ફે ચલપતિએ નક્સલવાદીઓ માટે વ્યૂહરચના ઘડવામાં અને કામગીરીનું નેતૃત્વ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ચલપતિની સુરક્ષામાં 9 અંગત રક્ષકો રહેતા હતા.
આ પણ વાંચો : નકસલવાદ સામે મોટી સફળતા; છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 14 નક્સલવાદીઓને ઠાર કર્યા
નકસલ મુક્ત છત્તીસગઢ અભિયાનમાં 200 નક્સલી ઠાર
વર્ષમાં 2024માં શરૂ કરવામાં આવેલા નકસલ મુક્ત છત્તીસગઢ અભિયાનમાં સુરક્ષા દળોએ અત્યાર સુધી 200 થી વધુ નક્સલીઓને ઠાર માર્યા છે. જેમાં માર્યા ગયેલા 219 નક્સલીઓમાંથી 217 બસ્તર પ્રદેશના હતા. તેમાં બસ્તર, દાંતેવાડા, કાંકેર, બીજાપુર, નારાયણપુર, કોંડાગાંવ અને સુકમા જિલ્લાઓનો સમાવેશ થાય છે. તેમજ 800 થી વધુ નક્સલીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે લગભગ 802 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. વર્ષ 2024માં નક્સલીઓ સામેની લડાઈમાં 18 સુરક્ષા કર્મચારીઓએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે નક્સલી હિંસામાં 65 નાગરિકો માર્યા ગયા હતા.