છત્તીસગઢના દંતેવાડા 18 મહિલાઓ સહિત 63 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ

દંતેવાડા : છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓ વિરુદ્ધના અભિયાનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જેમાં 18 મહિલાઓ સહિત 63 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. જેમાંથી 36 નક્સલીઓ પર એક કરોડથી વધારેના ઇનામ જાહેર કરવામાં આવ્યા હતા. આ નક્સલવાદીઓએ વરિષ્ઠ પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું. આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં પશ્ચિમ બસ્તર ડિવિઝન કમિટીના સેક્રેટરી મોહન કડ્ટીનો પણ સમાવેશ થાય છે. જેમણે તેમની પત્ની સાથે આત્મસમર્પણ કર્યું હતું.
નક્સલવાદીઓને મુખ્ય પ્રવાહમાં પાછા લાવવાના પ્રયાસો સફળ
આ આત્મસમર્પણ માત્ર છત્તીસગઢના નક્સલવાદીઓ પૂરતું મર્યાદિત નથી પરંતુ રાજ્યની બહારના નક્સલવાદીઓ પણ તેમાં સામેલ છે. આ સૂચવે છે કે રાજ્ય પોલીસ અને સુરક્ષા દળો નક્સલવાદ સામે અસરકારક કાર્યવાહી કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના ઘર વાપસી અભિયાન હેઠળ નક્સલવાદીઓને મુખ્ય પ્રવાહમાં પાછા લાવવાના પ્રયાસો સફળ સાબિત થઈ રહ્યા છે. તેમજ સરકારની પુનર્વસન નીતિઓ હેઠળ આત્મસમર્પણ કરાયેલા નક્સલવાદીઓને મુખ્ય પ્રવાહમાં સમાવવામાં મદદ કરશે. તેમને વધુ સારા જીવન માટે તકો પૂરી પાડવામાં આવશે. આ સફળતાથી પ્રદેશમાં સુરક્ષા સ્થિતિમાં સુધારો થવાની અને વિકાસ કાર્યને વેગ મળવાની અપેક્ષા છે.
આ પણ વાંચો : છત્તીસગઢના દંતેવાડામાં 37 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, 27 પર હતા રૂપિયા 65 લાખના ઇનામ
છત્તીસગઢના બસ્તર 12 નક્સલીઓ ઠાર કરાયા હતા
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ૩ જાન્યુઆરીના રોજ છત્તીસગઢના બસ્તર ડિવિઝનમાં નક્સલવાદને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે સુરક્ષા દળોએ રચેલી વ્યુહરચનામાં વધુ એક મોટી જીત મળી હતી. સુકમા જિલ્લાના ગાઢ જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં જવાનોએ 12 નક્સલીઓ માર્યા ગયા હતા. આ ઓપરેશનથી નક્સલી સંગઠનોને મોટો ફટકો પડ્યો છે અને સુરક્ષા દળોનું મનોબળ વધ્યું છે. રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર લાંબા સમયથી આ વિસ્તારમાં સક્રિય નક્સલી કેડરને ખતમ કરવા માટે આક્રમક અભિયાન ચલાવી રહ્યા છે.



