નેશનલ

વડાપ્રધાન મોદીના છઠ પૂજા પર ફોટોશૂટ માટે ‘નકલી યમુના’માં ડૂબકી લગાવશે! AAPનાં આરોપ

દિલ્હી: આજે ઉત્તર ભારત અને ખાસ કરીને બિહારના લોકોમાં ખુબ મહાત્મ્ય ધરાવતા તહેવાર છઠ પૂજાનું પર્વ છે, દિલ્હીમાં યમુના નદીના કાંઠે છઠ પૂજામાં વડાપ્રધાન મોદી ભાગ લેવા છે. એ પહેલા દિલ્હીમાં રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી (AAP) એ ભારતીય જનતા પાર્ટી(BJP)ની દિલ્હી સરકાર પર આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદીના ફોટોશૂટ માટે ફિલ્ટર પાણીથી કુંડ બનાવવામાં આવ્યો છે, કેમ કે યમુનાનું પાણી પ્રદુષિત છે. ભાજપે આ આરોપોને ફગાવી દીધા છે.

બિહારમાં આવતા મહીને ચૂંટણી યોજાવાની છે, એવામાં ભાજપ મતદારોને રીજવવાનો પ્રયાસ કરી રહી છે, વડાપ્રધાન મોદી પોતે યમુના નદી પર વાસુદેવ ઘાટ પાસે છઠ પૂજામાં ભાગ લેવાના છે. AAPનાં આરોપ મુજબ નદી કાંઠાની બાજુમાં ફિલ્ટર કરેલા પાણીથી ભરેલો એક કુંડ બનાવવામાં આવ્યો છે, જ્યાં વડા પ્રધાન મોદી ડૂબકી લગાવશે. ભાજપે AAPના આરોપોને “રાજકીય ડ્રામા” ગણાવ્યો, ભાજપે વળતો આરોપ કર્યો કે વિપક્ષ નદી કિનારે સ્વચ્છતાના પ્રયાસો સામે વાંધો ઉઠાવી રહ્યો છે.

નકલી યમુનામાં ફિલ્ટર કરેલું પાણી:

રવિવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા AAP દિલ્હીના વડા સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે વાસુદેવ ઘાટ પર ભાજપે વઝીરાબાદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ફિલ્ટર કરેલું પાણીથી ભરીને એક “નકલી યમુના બનાવી” છે.

સૌરભ ભારદ્વાજે કહ્યું, “ભાજપ ટૂંક સમયમાં દિલ્હી અને દેશના લોકો સમક્ષ વધુ એક નાટક કરવા જઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી, બિહાર અને પૂર્વાંચલના લોકોને મૂર્ખ બનાવવા અને ભાજપે યમુનાને સાફ કરી દીધી છે એ બતાવવા માટે તેઓ ફિલ્ટર કરેલા યમુના પાણીમાં ડૂબકી લગાવશે.”

AAP એ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઘાટોમાં ફેકલ કોલિફોર્મનું પ્રમાણ વધુ હોવાથી યમુનાનું પાણી પ્રદૂષિત હતું, જે ભક્તો ડૂબકી લગાવતા ભક્તોના સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે.

AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે “છઠ પર્વ સાથે જોડાયેલી ધાર્મિક લાગણીઓની ભાજપે દિલ્હીમાં મજાક ઉડાવી છે.”

https://twitter.com/mohitlaws/status/1982345810923880739

ભાજપના વળતા આરોપ:

AAPના આરોપોનો જવાબ આપતા દિલ્હી ભાજપના વડા વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, દિલ્હીમાં AAP સરકાર હતી ત્યારે 2018 થી 2024 દરમિયાન યમુના કિનારે છઠ પૂજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે ભાજપ સરકારે આઠ મહિનામાં યમુનાની પ્રાથમિક સફાઈ પૂર્ણ કરી છે અને ભક્તો માટે કુદરતી ઘાટ ખુલા મુખ્ય છે. તેમણે કહ્યું કે “આ એવો રાજકીય ડ્રામા છે જેમાં એક વિપક્ષી નેતાએ સરકારના સ્વચ્છતાના પ્રયાસો સામે વાંધો ઉઠાવી રહ્યા છે.”

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button