છઠ પૂજા પહેલા બિહારીઓ માટે ઘરે જવાનું મુશ્કેલ: 20 વર્ષમાં માત્ર 10 નવી ટ્રેન, વિમાન ભાડાં આસમાને...
Top Newsનેશનલ

છઠ પૂજા પહેલા બિહારીઓ માટે ઘરે જવાનું મુશ્કેલ: 20 વર્ષમાં માત્ર 10 નવી ટ્રેન, વિમાન ભાડાં આસમાને…

નવી દિલ્હી/પટનાઃ છઠ પૂજાએ બિહારના લોકોનો મહત્ત્વપૂર્ણ તહેવાર છે. પરંતુ દિલ્હી-એનસીઆરમાં રહેતા બિહારના લાખો લોકો માટે ધનતેરસ, દિવાળી અને છઠના આગમન સાથે ઘરે જવા પહોંચવું એક મોટું મિશન બની જાય છે. કારણ કે આ સમય દરમિયાન બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર યુદ્ધ જેવો માહોલ સર્જાય છે. વિમાનના ભાડા આસમાને પહોંચી જાય છે અને ટ્રેન રિઝર્વેશન લગભગ અશક્ય બની જાય છે. છેલ્લા બે દાયકામાં ચાર સરકાર બદલાવા છતાં પણ આ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી, એવું એક RTI અરજીના જવાબમાં સામે આવ્યું છે.

છેલ્લા 20 વર્ષમાં માત્ર 10 નવી ટ્રેન

છેલ્લા બે દાયકામાં બિહારથી એનસીઆરમાં મોટા પાયે સ્થળાંતર થયું છે. 2011ની વસ્તી ગણતરી મુજબ એકલા દિલ્હીમાં 1.1 મિલિયનથી વધુ બિહારીઓ રહેતા હતા. નોઈડા, ગુરુગ્રામ વગેરે એનસીઆર શહેરોને જોડતા આ સંખ્યા અનેક ગણી વધારે છે. આ શ્રમિકો એનસીઆરના બાંધકામ અને સેવા ક્ષેત્રોની કરોડરજ્જુ છે. તેમ છતાં દિલ્હી અને પટના વચ્ચે કનેક્ટિવિટીમાં નહિવત વધારો થયો છે.

તહેવારો દરમિયાન દિલ્હીથી બિહાર જવા માટે ભારતીય રેલવે દ્વારા અત્યારસુધીમાં કેવી વ્યવસ્થા કરવામાં આવી છે? એ જાણવા એક RTI અરજી કરવામાં આવી હતી. જેના જવાબમાં જાણવા મળ્યું છે કે, 2005માં પટના અને દિલ્હી વચ્ચે 17 ટ્રેનો હતી. જે 2025 સુધીમાં વધીને માત્ર 27 થઈ છે. એટલે કે, બે દાયકામાં માત્ર 10 નવી ટ્રેનો ઉમેરવામાં આવી છે. વડા પ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ (2004-2014) દરમિયાન સાત ટ્રેનો શરૂ કરવામાં આવી હતી, જ્યારે ત્યાર પછીના એક દાયકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ (2014-2025) દરમિયાન માત્ર છ ટ્રેનો ઉમેરવામાં આવી છે.

વિમાનમાં ઊંચા ભાડા અને ટ્રેનોમાં રિઝર્વેશન મળવું મુશ્કેલ

આ વર્ષેની વાત કરીએ તો ભારતીય રેલ્વેએ છઠ જેવા તહેવારો માટે ‘પૂજા સ્પેશિયલ’ હેઠળ 763 ટ્રેનોની જાહેરાત કરી છે, પરંતુ વધતી માંગને પહોંચી વળવા માટે તે અપૂરતી લાગી રહીં છે, કારણ કે મોટા ભાગની ટ્રેનોમાં પહેલેથી જ રિઝર્વેશન મળવું મુશ્કેલ છે. 25 ઓક્ટોબર સુધી ટ્રેનની સીટો ઉપલબ્ધ નથી.

રેલવે સિવાયની વાત કરીએ તો દિલ્હીથી પટના સુધીના હવાઈ ભાડામાં જંગી વધારો થયો છે, જેના કારણે ઘણા લોકોને ઉધાર લેવાની અથવા તેમની તહેવારનું પ્લાનિંગ કેન્સલ કરવાની ફરજ પડી છે. બસ સંચાલકો પણ આ માંગનો ફાયદો ઉઠાવીને રાતોરાતની મુસાફરી માટે બમણું ભાડું વસૂલ કરી રહ્યા છે. જે ભારતના પરિવહન આયોજનમાં ગંભીર ખામીઓને ઉજાગર કરે છે.

ઉલ્લેખનીય છે કે, બિહારના લાખો સ્થળાંતરિત પરિવારો માટે તહેવારો દરમિયાન ઘરે જવું હવે માત્ર અસુવિધા નહીં, પરંતુ એક મોટો નાણાકીય અને ભાવનાત્મક બોજ બની ગયું છે. એનસીઆરના વિકાસમાં યોગદાન આપતા આ સ્થળાંતરિતો માટે છઠ પૂજા માટે ઘરે જવું હવે એક લક્ઝરી બની ગયું છે. જે પરિવહન માળખાની નિષ્ફળતાને સ્પષ્ટપણે દર્શાવે છે.

આ પણ વાંચો…દેશમાં દિવાળી અને છઠ પૂજા દરમિયાન 12,000 થી વધુ વિશેષ ટ્રેનો દોડાવાશે, બિહાર માટે નવી ટ્રેનોની જાહેરાત

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button