‘પાછલા જનમમાં તમે…’ચેન્નઈની શાળામાં વક્તાએ વિદ્યાર્થીઓને આપ્યું આવું વ્યાખ્યાન, મુખ્ય પ્રધાને કરી ટીકા
ચેન્નઈ: ગઈ કાલે દેશભરની શાળાઓમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એવામાં તમિલનાડુની રાજધાની ચેન્નાઈ(Chennai)ની એક સરકારી શાળામાં શિક્ષક દિવસ દરમિયાન યોજવામાં આવેલા કાર્યક્રમ બાબતે હોબાળો મચ્યો છે. કાર્યક્રમ દરમિયાન વક્તાએ વિદ્યાર્થીઓને પુનર્જન્મ અને ધાર્મિક કર્મકાંડો અંગે વ્યાખ્યાન આપ્યું હતું. વક્તાએ બાળકોના જીવન સંઘર્ષ માટે તેના પાછલા જન્મને દોષી ઠેરવ્યો હતો. મુખ્ય પ્રધાન એમ કે સ્ટાલિને (MK Stalin)આ કાર્યક્રમની ટીકા કરી છે.
એક અહેવાલ મુજબ પરમપોરુલ ફાઉન્ડેશનના મહાવિષ્ણુ(Mahavishnu)ને માયલાપોર વિસ્તારની એક સરકારી શાળામાં મોટીવેશનલ સ્પીચ આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ તેના બદલે તેમણે પુનર્જન્મ, પાપ-પુણ્ય અને કર્મ જેવા આધ્યાત્મિક વિષયો પર પ્રવચન આપ્યું, જેનાથી જાગૃત લોકો અને રાજકારણીઓમાં આક્રોશ ફેલાયો હતો.
તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને મહાવિષ્ણુના વાયરલ ભાષણનો સીધો ઉલ્લેખ કર્યા વિના, વૈજ્ઞાનિક વિચારસરણીના મહત્વ પર ભાર મૂક્યો અને કહ્યું કે વિદ્યાર્થીઓ સુધી પ્રગતિશીલ વિચારોનો પહોંચે એ સુનિશ્ચિત કરવા માટે તેમણે શાળાના કાર્યક્રમોમાં માર્ગદર્શિકા ઘડવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું વિજ્ઞાન એ પ્રગતિનો માર્ગ છે.
મહાવિષ્ણુએ ભાષણમાં શું કહ્યું હતું?
મહાવિષ્ણુએ તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને કહ્યું, “ગુરુકુલમ પ્રથાને અંગ્રેજોએ નષ્ટ કરી નાખી. માત્ર એક મંત્ર વાંચવાથી અગ્નિ પ્રગટી શકે છે, બીમાર લોકો સાજા થઈ શકે છે, તમે ઉડી પણ શકો, પરંતુ આ બધા રહસ્યો જે તાડના પાંદડા પર લખેલા હતા તે અંગ્રેજોના કારણે નષ્ટ થઈ ગયા.”
તેણે વધુમાં કહ્યું, “જો ભગવાન દયાળુ હોય તો દરેક વ્યક્તિ સમાન જન્મ આપવો જોઈએ. એક અમીર જન્મે છે જ્યારે બીજો ગરીબ જન્મે છે. એક ગુનેગાર તરીકે જન્મે છે જ્યારે બીજો હીરો તરીકે જન્મે છે. આટલા મતભેદો શા માટે? તમે તમારા પાછળના જન્મમાં શું કર્યું એ મુજબ તમને આ જન્મ આપવામાં આવ્યો છે.”
શાળાના સ્ટાફના એક સભ્યએ સ્પીકરની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે તેમને આધ્યાત્મિક પ્રવચન માટે નહીં, પરંતુ મોટીવેશનલ સ્પીચ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આનાથી ઉગ્ર દલીલ થઈ, મહાવિષ્ણુએ સ્ટાફ મેમ્બર પર “ઈગો પ્રોબ્લેમ” હોવાનો આરોપ મૂક્યો.
આ દલીલ સહિત ભાષણનો વિડિયો બાદમાં મહાવિષ્ણુની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. શિક્ષક દિને આ ફૂટેજ વાયરલ થયા હતા, શાળા પ્રશાસન સામે વિરોધ ઉભો થયો છે.
મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિને શું કહ્યું?
વિવાદ વચ્ચે, મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિને X પર લખ્યું કે, “મેં સમગ્ર રાજ્યની શાળાઓમાં વિવિધ કાર્યક્રમો માટે નવી ગાઈડલાઈન્સ બનાવવા અને જાહેર કરવાનો આદેશ આપ્યો છે. જેથી સુનિશ્ચિત કરવામાં આવશે કે આપણા તમામ શાળાના બાળકો, જેઓ તમિલનાડુની ભાવિ પેઢી છે, તેમને પ્રગતિશીલ વૈજ્ઞાનિક વિચારો અને જીવનશૈલી મળે.”
તેમણે વધુમાં કહ્યું કે, “આપણા ઉચ્ચ-ગુણવત્તાવાળા પાઠ્યપુસ્તકોમાં શ્રેષ્ઠ વૈજ્ઞાનિક વિચારો છે, જે વિદ્યાર્થીઓને શીખવવાની જરૂર છે. વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે ભવિષ્યના પડકારોનો સામનો કરી શકે અને જ્ઞાનમાં વધારો કરી શકે એ માટે શિક્ષકો જરૂરી શ્રેષ્ઠ વિચારો લાવી શકે છે. શાળા શિક્ષણ વિભાગ નવીન તાલીમ આપવા માટે પગલાં લેશે અને યોગ્ય નિષ્ણાતો અને વિદ્વાનોની મદદથી સામાજિક શિક્ષણ આપશે.”
કોંગ્રેસના કરુરથી સાંસદ જોથિમણીએ X પર આ ઘટનાની નિંદા કરી, પ્રધાન અનબિલ મહેશને ટેગ કરીને કાર્યવાહી કરવાની માંગ કરી.