ચેમ્બુરમાં યુવતી પર ગેંગરેપ, નરાધમો પકડાયા
મુંબઇ: ચેમ્બુર સ્થિત દેશના પ્રતિષ્ઠિત ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના કેમ્પસમાં કામ કરતા એક વ્યક્તિની પુત્રી સાથે સામૂહિક દુષ્કર્મની હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. પીડિતા પાડોશમાં રહેતા એક શખ્સના ઘરે ગઇ હતી, જ્યાં તેને નશીલું પીણું પીવડાવીને બેભાન કર્યા બાદ તેના પર બળાત્કાર કરવામાં આવ્યો.
મોટાભાગના કિસ્સાઓમાં પીડિતા પર દુષ્કર્મ આચરનાર તેના પરિચિત જ હોય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના એક અહેવાલ મુજબ 97 ટકા ઘટનાઓમાં આરોપી પરિચિત જ નીકળે છે. આના પરથી એમ સાબિત થાય છે કે મહિલાઓ પોતાના ઘરમાં, પોતાના જ લોકો સાથે સુરક્ષિત નથી.
પોલીસે પીડિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ જણાવ્યું હતું કે દુષ્કર્મ પીડિતાના પિતા રિસર્ચ સેન્ટરમાં કાર્યરત છે. પીડિતા પોતે તેની માતા અને બહેન સાથે પાલઘર રહે છે અને થોડા સમય માટે તેના પિતા સાથે રહેવા માટે ક્વાર્ટરમાં આવી હતી. પીડિતાને બંને આરોપીઓ સાથે જૂના પરિચય હતો. પિતાની બાજુના ક્વાર્ટરમાં રહેતા આરોપી અજિતના પિતા સેન્ટરમાં કાર્યરત છે. અજિતે તેના પરિવારજનો ગેરહાજર હતા તે સમયે તેના એક મિત્ર પ્રભાકરને બોલાવ્યો હતો. આ પછી બંનેએ પીડિતા પર દુષ્કર્મની યોજના ઘડી હતી.
પીડિતાના પિતા ગેરહાજર હતા એ સમયે અજિત અને પ્રભાકરે તેને મળવા બોલાવી હતી. જ્યાં બંનેએ તેને વાતોમાં ફોસલાવીને કોલ્ડ ડ્રિંકમાં નશીલો પદાર્થ ભેળવી તેને બેભાન કરી દીધી હતી. તે જ્યાં સુધી ભાનમાં ન આવી ત્યાં સુધી આરોપીઓએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ઘરે પહોંચીને તેણે તમામ વિગતો તેના પિતાને જણાવી હતી, જેના પરથી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓને પકડી કોર્ટમાં રજૂ કર્યા હતા તેમજ કોર્ટ દ્વારા તેમને પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે.