
કુનો નેશનલ પાર્કમાં 9 ચિત્તાના મૃત્યુ બાદ ચિત્તા પ્રોજેક્ટને સફળતા મળવાની શક્યતા પર શંકા ઉપજી રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે દક્ષિણ આફ્રિકામાંથી વધુ ચિતા લાવવાની યોજના જાહેર કરી હતી, આ અંગે ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ વરુણ ગાંધીએ કહ્યું કે ભારતે તેની લુપ્ત થતી પ્રજાતિના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આફ્રિકામાંથી ચિત્તાની આયાત કરવી અને તેમાંથી નવને અલગ જ વાતાવરણમાં મરવા માટે છોડી દેવા એ માત્ર ક્રૂરતા જ નથી, આ તદ્દન બેદરકારી અને ઉદાસીનતા છે.
પ્રોજેક્ટ ચિતા સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ચિત્તાના આગામી બેચને દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવશે, જેને મધ્યપ્રદેશના ગાંધી સાગર વન્યજીવ અભયારણ્યમાં રાખવામાં આવશે. આ અભયારણ્ય વર્ષના અંત સુધીમાં ચિત્તાના રહેવા માટે તૈયાર થઈ જાય તેવી શક્યતા છે.
વરુણ ગાંધીએ લખ્યું કે આપણે આ શાનદાર જીવોના દુઃખમાં વધારો કરવાને બદલે આપણી પોતાની લુપ્ત થતી પ્રજાતિઓ અને તેમના રહેઠાણોને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વિદેશી પ્રાણીઓનું આ અવિચારી સ્થળાંતરણ તરત જ બંધ કરવું જોઈએ અને તેના બદલે આપણે આપણા મૂળ વન્યજીવનની સારસંભાળને પ્રાથમિકતા આપવી જોઈએ.
કૉંગ્રેસના નેતા અભિષેક સિંઘવીએ વધુ ચિત્તા લાવવાની જાહેરાત પર કટાક્ષ કરતાં કહ્યું, “નામિબિયાથી ચિત્તા લાવવાના ખૂબ જ સફળ પ્રોજેક્ટ પછી (જેમાંથી 9 મૃત્યુ પામ્યા છે), હવે દક્ષિણ આફ્રિકાના ચિત્તાઓ પર નજર રાખો.”
ઘણા લોકોએ આ પગલાને સમર્થન આપ્યું હતું. X પર એક યુઝરે લખ્યું, “હું આનું સંપૂર્ણ સમર્થન કરું છું. લોકોએ લાગણીઓમાં વહી જવાનું બંધ કરવું જોઈએ. ભારત જંગલમાં ચિત્તાઓને પુનઃસ્થાપિત કરવાનું ખૂબ જ મુશ્કેલ કાર્ય કરી રહ્યું છે. આ માટે જરૂરી તમામ પ્રયાસો કરવા જોઈએ.”
દેશમાં ચિત્તાઓ લુપ્ત થયા પછી તેના પુનર્વસન માટે ભારતના મહત્વાકાંક્ષી ‘પ્રોજેક્ટ ચિતા’ આજે રવિવારે એક વર્ષ પૂર્ણ થયું. આ પ્રોજેક્ટ ગયા વર્ષે સપ્ટેમ્બર 17 ના રોજ શરૂ થયો હતો જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તોના જૂથને મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડ્યું હતું.