છત્તીસગઢમાં એસયુવી અને ટ્રક વચ્ચે અકસ્માત: 6 જણનાં મોત
એસયુવીમાં સવાર 13 લોકોમાંથી છ જણનાં ઘટનાસ્થળે થયાં મોત
બાલોદઃ છત્તીસગઢના બાલોદ જિલ્લામાં એક સ્પોટર્સ યુટિલિટી વ્હીકલ (એસયુવી) અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોના મોત નીપજ્યા હતા અને સાત અન્ય ઘાયલ થયા હતા. આ જાણકારી પોલીસે સોમવારે આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત રવિવારે મોડી રાત્રે દાઉન્ડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. અકસ્માતનો ભોગ બનનારા જિલ્લાના ગુંડરદેહી વિસ્તારના રહેવાસી હતા અને એક પારિવારીક સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર વાહન અને ટ્રક સામસામે અથડાયા હતા. એસયુવીમાં સવાર ૧૩ લોકોમાંથી છ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મૃતકોની ઓળખ દુર્પલ પ્રજાપતિ (૩૦), સુમિત્રા બાઇ કુંભકર (૫૦), મનીષા કુંભકર (૩૫), સગુન બાઇ કુંભકર (૫૦) અને ઇમલા બાઇ (૫૫) અને જીજ્ઞેશ કુંભકર (૭) તરીકે થઇ હતી.
આ પણ વાંચો : છત્તીસગઢમાં પોલીસની પત્ની અને પુત્રીની હત્યાથી રોષ: ટોળાએ SDMને રોડ પર દોડાવ્યા
અધિકારીએ જણાવ્યું કે પાંચ મહિલાઓ અને એક બાળક સહિત સાત ઘાયલોને સ્થાનિક સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને વધુ સારવાર માટે રાજનાંદગાંવ જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. તેમજ વધુ તપાસ ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.