દેહરાદુન: ઉત્તરાખંડમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે રાજ્યમાં પુરની સ્થિતિ સર્જાઈ શકે છે. સતત વરસાદને કારણે ઘણી નદીઓમાં ઘોડાપુર આવ્યું છે, પ્રશાસને લોકો માટે એલર્ટ પણ જાહેર કર્યું છે. વહીવટીતંત્રએ લોકોને નદીઓ અને નાળાઓ નજીક ન જવા સૂચના આપી છે. નદી કિનારે રહેતા લોકોનું સલામત સ્થળે સ્થાનાંતર કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ચારધામ યાત્રા પણ મોકૂફ રાખવામાં આવી છે.
ઉત્તરાખંડમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અને છેલ્લા 24 કલાકમાં, ભૂસ્ખલનને કારણે રાજ્યભરમાં સેંકડો રસ્તાઓ બંધ થઈ ગયા છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સતત ભારે વરસાદને કારણે રાજ્યની અલકનંદા, મંદાકિની, કાલી, ગંગા સહિતની તમામ નદીઓના જળસ્તર ઝડપથી વધી રહ્યા છે.
ઋષિકેશમાં ગંગા નદી ખતરાના નિશાનની નજીક છે, કાલી નદી અને અલકનંદા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. નદીઓના કિનારે અથવા તેની આસપાસ રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો…
Ahmedabad Rathyatra: હેલિકોપ્ટર અને 1278 સીસીટીવી કેમેરાથી પોલીસની બાજનજર
ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ અને ગંગોત્રી નેશનલ હાઈવે ઘણી જગ્યાએ બ્લોક થઇ ગયો છે. જેના કારણે લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગની ચેતવણી બાદ ડિઝાસ્ટર વિભાગ અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ મોડ પર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત SDRF અને NDRFની ટીમોને પણ એલર્ટ મોડ પર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.