નેશનલ

ચારધામ યાત્રાએ તોડ્યો રેકોર્ડ, કેદારનાથ, બદ્રીનાથ ધામમાં ભક્તોની આટલી મોટી ભીડ એકઠી થઈ

દહેરાદૂનઃ હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એકવાર ચારધામની મુલાકાત લેવાની ઇચ્છા તો રાખે જ છે. આ જ કારણ છે કે દર વર્ષે આ ધામોમાં ભક્તોની ભારે ભીડ જામે છે. ચારધામમાં કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી અને ગંગોત્રીનો સમાવેશ થાય છે. આ ચારધામની સાથે, અન્ય પ્રખ્યાત હિંદુ તીર્થ સ્થળોએ પણ વર્ષ 2023માં ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. તો ચાલો જાણીએ કે વર્ષ 2023માં કેટલા ભક્તો કયા ધામમાં દર્શન કરવા આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વર્ષે 50 લાખથી વધુ લોકોએ ચાર ધામ યાત્રા પૂર્ણ કરી હતી. અહેવાલો અનુસાર વર્ષ 2021માં ચાર ધામ યાત્રામાં લગભગ 5 લાખ 18 હજાર શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. જ્યારે 2022માં આ આંકડો 46 લાખ 27 હજારને પાર કરી ગયો હતો. વર્ષ 2023માં 16 ઓક્ટોબર સુધીમાં આ આંકડો 50 લાખને પાર કરી ગયો હતો.

ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ એમ ચારેધામમાં આ વર્ષે શ્રદ્ધાળુઓનો અભૂતપૂર્વ ધસારો રહ્યો હતો. આ વર્ષે 9 લાખ 5 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગોત્રી ધામની, 7 લાખ 35 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ યમુનોત્રી ધામની, 19 લાખ 61 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામની અને 18 લાખ 34 હજારથી વધુ ભક્તોએ ભગવાન બદ્રી વિશાલની મુલાકાત લઇ દર્શન કર્યા હતા.

જો ચારધામ સિવાય અન્ય તીર્થ સ્થાનોની વાત કરીએ તો વર્ષ 2023માં લગભગ 4 લાખ 40 હજાર શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. આ વર્ષે અમરનાથ યાત્રા 1 જુલાઈ 2023 થી શરૂ થઈ અને 31 ઓગસ્ટ 2023 ના રોજ પૂરી થઇ હતી.

આ ઉપરાંત હેમકુંડ સાહિબને પણ શીખોનું પવિત્ર યાત્રાધામ માનવામાં આવે છે. હેમકુંડ સાહેબની યાત્રા 20 મેથી 11 ઓક્ટોબર 2023 સુધી ચાલી હતી. આ વર્ષે લગભગ 2 લાખ લોકો હેમકુંડ સાહિબની મુલાકાત લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button