નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ફરી અફરાતફરીનો માહોલ; મુસાફરોની ભારે ભીડ ઉમટી પડી

નવી દિલ્હી: ગત મહિને કુંભમેળા દરમિયાન નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર મચેલી નાસભાગમાં 18 લોકોના મોત (New Delhi Railway Station Stampede) થયા હતાં, ત્યાર બાદ રેલ્વે તંત્ર સફાળું જાગ્યું હતું. રેલ્વેએ નિયમોમાં ફેરફાર કર્યા હતાં. એવામાં ફરી એકવાર નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે, ફરી કોઈ મોટી દુર્ઘટનામાં સર્જાવાની ભીતિ હતી. સદભાગ્યે કઈ દુર્ઘટના સર્જાઈ નથી.
અહેવાલ મુજબ કેટલીક ટ્રેનોમાં મોડી પડવાના કારણે, નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 12 અને 13 પર મુસાફરોની ભીડ જામી હતી, જેના કારણે અફરાતફરીની સ્થિતિ ઊભી થઈ હતી. રેલવેના જણાવ્યા અનુસાર, યોગ્ય પગલા લેવામાં આવ્યા છે, પરિસ્થિતિ હવે સામાન્ય થઈ ગઈ છે.
દુર્ઘટના ટળી:
એક મીડિયા અહેવાલ મુજબ, કુલ પાંચ ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતાં મોડી પડી હતી, જેના કારણે નવી સ્ટેશન પર મુસાફરોનો જામાવડો જોવા મળ્યો હતો. જોકે, કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે, રેલ્વે વહીવટીતંત્રે તાત્કાલિક ભીડ નિયંત્રણ માટે જરૂરી પગલાં લીધાં.
આ પણ વાંચો…સરકાર અને સેનાએ નક્સલીઓની કમર ભાંગી, 25 નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ…
કેમ જામી આટલી ભીડ?
અહેવાલ મુજબ શિવ ગંગા એક્સપ્રેસ ટ્રેન રાત્રે 8:05 વાગ્યે સ્ટેશનથી રવાના થવાની હતી, પરંતુ તે 9:20 વાગ્યે સ્ટેશનથી નીકળી શકી હતી. સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ રાત્રે 9:15 વાગ્યે ઉપડવાની હતી, પરંતુ તે પણ લાંબા સમય સુધી સ્ટેશન પર ઉભી રહી. રેલવેના જણાવ્યા અનુસાર, જમ્મુ રાજધાની એક્સપ્રેસ પણ 9:25 વાગ્યે ઉપડવાની હતી, પરંતુ તે મોડી રવાના થઈ. આ બધી ટ્રેનો મોડી પડવાથી મુસાફરોની ભારે ભીડ એકઠી થઈ ગઈ અને પરિસ્થિતિ વધુ વણસી ગઈ.
જોકે રેલવેએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે સ્ટેશન પર નાસભાગ જેવી પરિસ્થિતિ નહોતી. સમયસર ભીડને કાબૂમાં લેવામાં આવી હતી.