ઠંડી શરૂ થતાં જ રામલલ્લાની લેવાઇ રહી છે વિશેષ સંભાળ: જાણો શું શું કરાયું પરિવર્તન..
અયોધ્યા: દેશમાં ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ રહી છે અને આ બદલાતી ઋતુને ધ્યાને રાખીને રામ મંદિરના ટ્રસ્ટ અને મુખ્ય પૂજારી ભગવાન રામલલાની વિશેષ કાળજી લઈ રહ્યા છે. દિવ્ય રામ મંદિરમાં બિરાજમાન ભગવાન બાળ રામલલાના ઠાઠમાં પણ વધારો થયો છે. અહી ભગવાનના બાળ સ્વરૂપની સેવા અને પૂજા કરવામાં આવે છે. ઋતુ બદલાય ત્યારે ભગવાનના રાજભોગમાં પણ ફેરફાર કરવામાં આવે છે. ઠંડી શરૂ થતાં પહેલા પ્રભુ રામને સવારે ગરમ પાણીથી સ્નાન કરાવવામાં આવે છે.
આ પણ વાંચો: અયોધ્યાથી વૃંદાવન જતી ગુજરાતી શ્રદ્ધાળુઓની બસ કન્ટેનર સાથે અથડાઈ, ત્રણનાં મોત
રામલલ્લાને ગરમ પાણીથી સ્નાન:
રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ થવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભગવાન રામને ગરમ પાણીથી સ્નાન કરાવવામાં આવી રહ્યું છે. આ સાથે તેમને જમવાનો ભોગ પણ ગરમ જ ધરવામાં આવી રહ્યો છે. રામલલ્લાને સવારે સાડા ચાર વાગ્યે જગાડવામાં આવે છે અને ભગવાન રામલલાને સ્નાન કરાવવામાં આવે છે. આ માહિતી રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે આપી છે.
ભોગમાં પણ કરવામાં આવ્યો ફેરફાર:
રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના જણાવ્યા અનુસાર, ઋતુમાં ફેરફાર થવાથી ભગવાન રામને રબડી અથવા પેડા ચઢાવવામાં આવી રહ્યા છે. આ સિવાય કાજુ, પિસ્તા બદામ જેવા ડ્રાય ફ્રૂટ્સનો પણ તેમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. બદામ અને પિસ્તાને મિશ્ર કરીને ગરમ દૂધ આપવામાં આવે છે અને રામલલ્લાના પૂરી અને સબ્જી પીરસવામાં આવે છે. જ્યાં રામલલ્લા બિરાજમાન છે ત્યાં માત્ર બપોરના સમયે જ પંખો ચલાવવામાં આવે છે.
દર્શન અવધિમાં પણ ફેરફાર:
આ સાથે જ રામમંદિરના દર્શન સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યું હતું કે રામ મંદિરમાં ભગવાન રામની સેવાપૂજા બાળ સ્વરૂપમાં જ કરવામાં આવે છે, આથી હવે ઠંડી શરૂ થઈ ગઈ છે અને ભગવાન રામને ગરમ પાણીથી સ્નાન કરાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ રબડીનો ભોગ અર્પણ કરવામાં આવી રહ્યો છે. 20મી નવેમ્બરથી ભગવાન રામને રજાઈ ઓઢાડવામાં આવશે. હાલમાં ગરમ શાલ ઓઢાડવામાં આવી રહી છે.