હવે PFની તમામ રકમ ઉપાડી શકશો: EPFO કરવા જઈ રહ્યું છે નિયમોમાં મોટો ફેરફાર...
ટોપ ન્યૂઝનેશનલ

હવે PFની તમામ રકમ ઉપાડી શકશો: EPFO કરવા જઈ રહ્યું છે નિયમોમાં મોટો ફેરફાર…

નવી દિલ્હી: પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા અનેક કર્મચારીઓ EPFOના સભ્ય છે. PF રૂપે તેમના પગારની કેટલીક રકમ EPFOના ખાતામાં જમા થાય છે. PF રૂપે જમા થતી રકમ એકસાથે ઉપાડી શકાતી નથી. પરંતુ હવે EPFO પોતાના નિયમમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. જેથી કોઈપણ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ PFની તમામ રકમ ઉપાડી શકશે.

પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓને થશે લાભ
PF ઉપાડવાના વર્તમાન નિયમ અનુસાર કર્મચારી 58 વર્ષની ઉમરે નિવૃત્ત થયા બાદ અથવા નોકરી છોડીને બે મહિના સુધી બેરોજગાર રહે તો જ PFની પૂરેપૂરી રકમ ઉપાડી શકાતી હતી. પરંતુ આજના સમયમાં એવા ઘણા લોકો છે, જેઓ 35-40 વર્ષની ઉમરમાં કારકિર્દી બદલવા ઈચ્છે છે અથવા કોઈ કારણોસર નિયમિતપણે નોકરી કરી શકતા નથી. વર્તમાન પેઢીના કર્મચારીઓના આવા વલણને જોતા EPFOએ પોતાના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.

મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, EPFO દ્વારા એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં જણાવાયું છે કે, EPFOના સભ્યને 10 વર્ષમાં એક વાર પોતાની તમામ રકમ અથવા એનો કેટલોક ભાગ ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે. જો EPFOનો આ પ્રસ્તાવ મંજૂર થશે તો પ્રાઇવેટ સેક્ટરના 7 કરોડથી વધુ EPFOના સભ્યોને રાહત મળશે.

જલ્દી નિવૃત થવા ઈચ્છતા યુવાનોને થશે ફાયદો
નિષ્ણાતોના જણાવ્યાનુસાર, આજના સમયમાં કામ કરતા કર્મચારીઓનો એક મોટો વર્ગ છે, જે ક્યારેય નિવૃત્તિની ઉમર સુધી પહોંચતો નથી અથવા લાંબાગાળા સુધી કોઈ એક ક્ષેત્રમાં નોકરી કરી શકતો નથી. આ સંજોગોમાં આ નવો નિયમ વરદાનરૂપ સાબિત થશે.

આ પ્રસ્તાવ મંજૂર થશે તો એવા કર્મચારીઓને ફાયદો થશે જેમણે 10 વર્ષ અથવા તેનાથી વધારે વર્ષ નોકરીમાં પૂરા કર્યા છે. પરંતુ હવે તેઓ નિયમિત નોકરી કરવા ઈચ્છતા નથી. આ સિવાય એવા યુવાનોને ફાયદો થશે, જેઓ જલ્દી નિવૃત્ત થવા ઈચ્છે છે.

ભૂતકાળમાં પણ EPFO દ્વારા કરાયા ફેરફાર
ઉલ્લેખનીય છે કે, પાછલા વર્ષોમાં EPFO દ્વારા કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. જેમાં યુપીઆઈ દ્વારા PFના ખાતામાંથી 1 લાખ રૂપિયા સુધીની રાશિનો ઉપાડ કરવો તથા ઓટો-સેટલમેન્ટની લિમિટ 1 લાખથી વધારીને 5 લાખ કર્યા જેવા ફેરફારનો સમાવેશ થાય છે. આ સિવાય પણ EPFO દ્વારા ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button