તામિલનાડુના ડેપ્યુટી સીએમ બનવા જઈ રહ્યા છે….. દાદા મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે
તમિલનાડુના રાજકારણનું બિહારીકરણ થઇ રહ્યું હોવાના અંધાણ મળી રહ્યા છે. તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનના પુત્ર અને રાજ્ય સરકારમાં મંત્રી ઉધયનિધિ સ્ટાલિન હવે નાયબ મુખ્ય પ્રધાન બનવાની તૈયારી કરી રહ્યા છે. એવી શક્યતાઓ છે કે તેઓ ઓગસ્ટમાં આ પદ સંભાળી શકે છે. ઉધયનિધિ સ્ટાલિનના દાદા અને દિવંગત નેતા કરૂણાનિધિ અગાઉ રાજ્યના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે. ઓગસ્ટ 2018માં તેમનું અવસાન થયું હતું.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારમાં વ્યાપક સ્વીકૃતિ મેળવવા અને પિતાનો બોજ હળવો કરવા માટે ઉધયનિધિએ પોતે જ પોતાના પ્રમોશનનો આગ્રહ રાખ્યો હતો. અગાઉ પણ એવી અટકળો હતી કે તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. જોકે, આધારભૂત સૂત્રો એમ પણ જણાવે છે કે એમ કે સ્ટાલિન ઘણા બીમાર છે અને હાલમાં કાર્યભાર સંભાળવા સક્ષમ નથી, તેથી તેઓ ઉદયાનિધિ સ્ટાલિનને નાયબ મુખ્ય પ્રધાન બનાવી રહ્યા છે.
ડીએમકેના સૂત્રોને ટાંકીને એવું જણાવવામાં આવ્યું છે કે ઉધયનિધિને 22 ઓગસ્ટ પહેલા ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે. સીએમ સ્ટાલિનના અમેરિકા પ્રવાસ પહેલા તેમને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવી શકે છે. પાર્ટીના એક વરિષ્ઠ મંત્રીએ આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે આ પદ ઉધયનિધિ પર લાદવામાં આવી રહ્યું નથી, પરંતુ તેમણે પોતે આ માટે વિનંતી કરી છે. એક અહેવાલ મુજબ, ઉધયનિધિને આ વર્ષે બે વાર ડેપ્યુટી સીએમ બનાવવામાં આવવાના હતા, પરંતુ ઉધયનિધિની આસપાસના વિવાદોને કારણે આ યોજના મોકૂફ રાખવામાં આવી હતી.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એક કાર્યક્રમ દરમિયાન ઉધયનિધિએ સનાતન ધર્મની તુલના ‘ડેન્ગ્યુ’ અને ‘મેલેરિયા’ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘કેટલીક વસ્તુઓનો વિરોધ કરી શકાતો નથી, તેને માત્ર ખતમ કરી શકાય છે. આપણે ડેન્ગ્યુ, મચ્છર, મેલેરિયા કે કોરોના વાયરસ સામે ટકી શકતા નથી. આપણે તેમને મૂળમાંથી ખતમ કરવા પડશે. એ જ રીતે આપણે સનાતનનો પણ નાશ કરવો પડશે.