હવામાનમાં પલટોઃ કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા, પહાડી વિસ્તારોમાં હળવો વરસાદ

શ્રીનગર/શિમલા: કાશ્મીર અને શિમલાના ઘણા ઊંચા વિસ્તારોમાં ગુરુવારે તાજી હિમવર્ષા નોંધાઈ હતી, જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામ, બડગામ જિલ્લાના દૂધપથરી, શોપિયાંના હીરપોરા વિસ્તાર અને બારામુલ્લાના ઉડીમાં હળવી હિમવર્ષા નોંધાઈ હતી.
હિમાચલ પ્રદેશના શિમલા, લાહૌલ અને સ્પીતિ, કિન્નૌર અને કુલ્લુ જિલ્લાના અલગ-અલગ અને ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા જોવા મળી હતી, જ્યારે મધ્યમ અને નીચી પહાડીઓમાં હળવો વરસાદ થયો હતો, જેના કારણે ગુરુવારે કેટલાક રસ્તાઓ બંધ થઈ ગયા હતા.
આપણ વાંચો: હિમાચલમાં હિમવર્ષાઃ પ્રવાસીઓને બિનજરુરી મુસાફરી ટાળવા પોલીસે કરી અપીલ
શ્રીનગર સહિતના મેદાનોમાં વધુ વરસાદની આગાહી સાથે તૂટક તૂટક વરસાદથી કાશ્મીરમાં વરસાદની ઊંચી ખાધ ઘટવાની લોકોમાં આશા જાગી છે. કાશ્મીરમાં આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં મોટે ભાગે શુષ્ક શિયાળો જોવા મળ્યો હતો. હવામાન વિભાગે ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અથવા હિમવર્ષાની આગાહી કરી હતી.
આઈએમડીના જણાવ્યાનુસાર ૨૧-૨૩ ફેબ્રુઆરી સુધી હવામાન વાદળછાયું રહેવાની શક્યતા છે, ૨૪-૨૫ ફેબ્રુઆરીએ છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અથવા હિમવર્ષા થઈ શકે છે, અને ૨૬-૨૮ ફેબ્રુઆરીએ ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અથવા બરફ પડવાની શક્યતા છે.
આપણ વાંચો: Jammu Kashmir ના અનેક વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની શરૂઆત, જુઓ વિડીયો
હવામાન કચેરીએ ગુરુવાર અને શુક્રવારે હિમાચલ પ્રદેશના ચંબા, કાંગડા, કુલ્લુ અને મંડી જિલ્લામાં ભારે વરસાદ, હિમવર્ષા અને વાવાઝોડાની ઓરેન્જ ચેતવણી જારી કરી છે. લાહૌલ-સ્પીતિ અને કિન્નૌરમાં હળવાથી મધ્યમ હિમવર્ષાની શક્યતા છે અને આગામી બે દિવસમાં કાંગડા, ચંબા, શિમલા, કુલ્લુ, મંડી, સિરમૌર અને કુલ્લુ જિલ્લાના ઊંચા વિસ્તારોમાં પણ હિમવર્ષા થવાની સંભાવના છે.
કુફરી, નારકંડા, મનાલી, સોલાંગ વેલી, ડેલહાઉસી, સિસુ અને શિમલા અને આસપાસના વિસ્તારોમાં તથા પર્યટન સ્થળોમાં એક અથવા બે મધ્યમ ઝાપટાં સાથે હળવી હિમવર્ષાની પણ શક્યતા છે, એમ તેમણે ઉમેર્યું હતું.