આંધ્રના સીએમ તરીકે ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ 12 જૂન પર ધકેલાયા
વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી અને NDA કેબિનેટના શપથ ગ્રહણ સમારોહને કારણે ચંદ્રબાબુ નાયડુનો શપથ ગ્રહણ સમારોહ મોકુફ રાખવામાં આવ્યો છે. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના નેતા ચંદ્રબાબુ નાયડુ આ મહિનાની 12 તારીખે મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપ્યા બાદ નાયડુ સીએમ તરીકે શપથ લેશે. ચંદ્રાબાબુ નાયડુના TDPએ NDAના સહયોગી દળ તરીકે ચૂંટણી લડી હતી.
ભાજપ સંસદીય દળની બેઠક બાદ પાર્ટીએ ફરી એકવાર NDA નેતાઓની બેઠક યોજવાનું નક્કી કર્યું છે. આ બેઠકમાં ગઠબંધનના તમામ સાંસદો હાજરી આપશે. ટીડીપીના સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ આ મહિનાની 8 અથવા 9 તારીખે યોજાશે, ત્યારબાદ ચંદ્રાબાબુ મુખ્ય પ્રધાન પદના શપથ લેશે. આ વખતે તેમની કેબિનેટમાં સ્વચ્છ છબી ધરાવતા નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવશે તેવી અપેક્ષા છે. છેલ્લા કેટલાક સમયથી પાર્ટીમાં યુવાનોનું મહત્વ વધી રહ્યું છે. પાર્ટીના ઉમેદવારોની પસંદગીમાં આ વખતે પહેલા કરતા વધુ મહિલાઓ અને યુવાનોને તક આપવામાં આવી છે. એવી ચર્ચા છે કે આ વખતે યુવાનો, નબળા વર્ગ અને મહિલાઓને વરિષ્ઠ કરતાં વધુ પ્રાધાન્ય મળી શકે છે.
નવી સરકારમાં અભિનેતા પવન કલ્યાણની જનસેના પાર્ટીના અને ભાજપના કેટલા લોકોને કેબિનેટમાં સ્થાન મળે છે એ જોવું રહ્યું.