ચંદીગઢમાં સિનિયર ડે. મેયરની I.N.D.I.A ગઠબંધનને આંચકો, ભાજપની જીત
ચંદીગઢઃ પંજાબ અને હરિયાણાની રાજધાની ચંદીગઢમાં I.N.D.I.A ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. ચંદીગઢના સિનિયર ડેપ્યુટી મેયર પદની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. ભાજપ દ્વારા મેદાનમાં ઊતરેલા કુલજીત સંધુએ 19 મતો મેળવીને આ ચૂંટણી જીતી હતી. AAP અને કોંગ્રેસ ગઠબંધન કરીને આ ચૂંટણીઓ લડી રહ્યા હતા. AAP એ મેયર પદ માટે તેના ઉમેદવાર ઉભા રાખ્યા હતા જ્યારે કોંગ્રેસે સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવારને આ ચૂંટણીમાં 16 મત મળ્યા અને એક મત અમાન્ય જાહેર થયો હતો. એમ માનવામાં આવી રહ્યું છે કે અકાલી દળના હરદીપ સિંહે ફરી ભાજપને વોટ આપ્યો છે.
નોંધનીય છે કે અગાઉ આ ચૂંટણી 27મી ફેબ્રુઆરીએ થવાની હતી પરંતુ મેયર કુલદીપ કુમાર અને AAP-કોંગ્રેસના કોઈ કાઉન્સિલર ગૃહમાં પહોંચ્યા નહોતા, જેના કારણે ચૂંટણી 4 માર્ચ નક્કી કરવામાં આવી હતી, જે મુજબ આજે સવારે મતદાન થયું હતું.
અગાઉ મેયરની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનોજ સોનકરને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે તેણે આમ આદમી પાર્ટીના કુલદીપ કુમાર ટીટાને મેયર તરીકે જાહેર કર્યા હતા. કોર્ટે સ્વીકાર્યું હતું કે ચૂંટણીમાં ધાંધલ ધમાલ થઈ હતી અને આ માટે ચૂંટણી અધિકારી અનિલ મસીહ વિરુદ્ધ કેસ દાખલ થવો જોઈએ.