ચંદીગઢમાં મેયરની ચૂંટણી બનશે રસપ્રદ, AAP સાથે ગઠબંધન થશે તો કૉંગ્રેસ નામાંકન પાછું ખેંચશે

ચંદીગઢઃ ચંદીગઢમાં મેયરની ચૂંટણી ખૂબ જ રસપ્રદ થવા જઈ રહી છે. અહીં સામાન્ય ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન મેયરની ચૂંટણી લડવા જઈ રહ્યું છે. બંને પક્ષો વચ્ચે ગઠબંધનને લઈને વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
બંને પક્ષોના હાઈકમાન્ડ દ્વારા કોઈપણ સમયે ગઠબંધનને મંજૂરી મળી શકે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી શકે છે. ચંડીગઢમાં સંખ્યાઓનો ગણિત એવું છે કે કોંગ્રેસની મદદ વિના આમ આદમી પાર્ટીને મેયર પદ ન મળી શકે.
હાલમાં તો આ ગઠબંધન થાય તે પહેલા કૉંગ્રેસે તેના બધા નગરસેવકોની વાડાબંધી કરીને ચંડીગઢની બહાર એક ગુપ્ત જગ્યા પર રાખ્યા છે. સૂત્રો જણાને છે કે ઈન્ડિયા એલાયન્સ હેઠળ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એક થઈને ચંડીગઢ મેયરની ચૂંટણી લડવાની તૈયારી કરી લીધી છે.
આજે કોંગ્રેસના મેયરપદના ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે. મંત્રણાનો અંતિમ રાઉન્ડ ચાલી રહ્યો છે. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 18 જાન્યુઆરીએ મેયરની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં કુલ 35 સભ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતી મુજબ મેયર આમ આદમી પાર્ટીના ઉમેદવાર હશે. ડેપ્યુટી મેયર અને સિનિયર ડેપ્યુટી મેયરના ઉમેદવારો કોંગ્રેસના હશે. સૂત્રોનું કહેવું છે કે આમ આદમી પાર્ટી સિનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરના પદ કોંગ્રેસ માટે છોડી શકે છે.
જો AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય છે તો તેમની જીતનો રસ્તો સાફ થઈ જશે. આમ આદમી પાર્ટી પાસે 13 અને કોંગ્રેસ પાસે 7 કાઉન્સિલર છે. કુલ 20 મત હશે. જ્યારે ભાજપ પાસે 14 કાઉન્સિલર અને શિરોમણી અકાલી દળનો એક વોટ બાકી રહેશે.
જો શિરોમણી અકાલી દળના એક કાઉન્સિલરનો મત ભાજપના ઉમેદવારના સમર્થનમાં જાય તો પણ તે જીતના જાદુઈ આંકડાને સ્પર્શી શકશે નહીં. આમ ભાજપના માથે હારનું સંકટ તોળાઇ રહ્યું છે.