Chandigarh Mayor Election: પંજાબ-હરિયાણા હાઈકોર્ટે નોટિસ પાઠવી 3 અઠવાડિયામાં જવાબ માંગ્યો

ચંદીગઢ: ગઈ કાલે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ભાજપની જીત થયા બાદ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉભા કર્યા હતા. ભાજપના ઉમેદવાર મનોજ સોનકર આ ચૂંટણી જીતી ગયા હતા, પરંતુ આમ આદમી પાર્ટી તેને ‘બેઈમાની’ ગણાવી રહી છે. આ મામલે આમ આદમી પાર્ટીના કાઉન્સિલરોએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. આ મામલાની સુનાવણી કરતી વખતે કોર્ટે ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પ્રશાસનને નોટિસ પાઠવીને ત્રણ સપ્તાહમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
AAPના વકીલે કહ્યું કે, હાઈકોર્ટે 10 વાગ્યે ચૂંટણી કરાવવાનો સમય આપ્યો હતો પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર 10:40 વાગ્યે આવે છે અને વોટિંગ શરૂ કરે છે. મત પર સહી કરતી વખતે પ્રિસાઇડીંગ ઓફિસર પોતે નિશાન બનાવવાથી 8 મત અમાન્ય ગણાવે છે. પ્રિસાઇડિંગ ઓફિસરે પોતે કેવી રીતે મતપત્ર સાથે છેડછાડ કરી તેના પુરાવા તરીકે અમે મતદાન દરમિયાન કરાયેલી વિડિયોગ્રાફી રજૂ કરીએ છીએ.
હાઈકોર્ટે આ સમગ્ર મામલે ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વહીવટીતંત્રને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે પહેલા ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પ્રશાસનના મંતવ્યો સાંભળીશું અને પછી આગળના આદેશ આપીશું. ચંદીગઢ પ્રશાસન અને મ્યુનિસિપલ કોર્પોરેશનને હાઈકોર્ટમાં જવાબ દાખલ કરવા માટે 3 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો.
છેલ્લા આઠ વર્ષથી મેયર પદ ભાજપ પાસે છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશ બાદ ગઈ કાલે ચંદીગઢમાં મેયરની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ-આમ આદમી પાર્ટી (AAP) ગઠબંધન અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો હતો. આવી સ્થિતિમાં પરિણામ ભાજપની તરફેણમાં આવ્યું.