ચંડીગઢઃ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ચંડીગઢ મેયરની ચૂંટણીમાં કથિત ગરબડનો આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. બંને પક્ષોએ ભાજપ પર છેતરપિંડી કરીને ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે આજે ફરી સુનાવણી થવાની છે. સુનાવણી પહેલા ચંડીગઢના નવનિયુક્ત મેયર મનોજ સોનકરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
AAPના ત્રણ કાઉન્સિલરો નેહા મુસાવત, ગુરચરણ કાલા અને પૂનમ દેવીના પક્ષ બદલવાથી ચંડીગઢ મેયરની ચૂંટણીનો આખો ખેલ બદલાઈ ગયો છે. આમ આદમીના ત્રણેય કાઉન્સિલરો રવિવારે ભાજપમાં જોડાયા હતા. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અરુણ સૂદે તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું અને કહ્યું હતુંકે કાઉન્સિલરોને સંપૂર્ણ સન્માન મળશે અને તેમને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવશે.
AAPના ત્રણ કાઉન્સિલરોના આગમન સાથે, હવે BJPના કાઉન્સિલરોની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે, જ્યારે તેમની પાસે 1 MP (ચંડીગઢના બીજેપી સાંસદ કિરણ ખેર)નો મત પણ છે. આ ઉપરાંત તાજેતરમાં યોજાયેલી મેયરની ચૂંટણી દરમિયાન શિરોમણી અકાલી દળના એકમાત્ર કાઉન્સિલરે પણ ભાજપને સમર્થન આપ્યું હતું. એટલે કે ભાજપ પાસે હવે કુલ 19 મત છે અને તે સંખ્યાની દૃષ્ટિએ સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.
ત્રણ કાઉન્સિલરોના પક્ષપલટા બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મતોની સંખ્યા 20થી ઘટીને 17 થઈ ગઈ છે. જેમાં કોંગ્રેસના 7 અને AAPના 10 કાઉન્સિલરોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ 35 કાઉન્સિલર છે, જ્યારે એક સાંસદના વોટમાં 36 વોટનો ઉમેરો થાય છે. આ રીતે બહુમતનો આંકડો 19 પર આવે છે, જ્યારે ભાજપને 20 મતો મળ્યા છે.
ચંડીગઢ મેયરની ચૂંટણી ગત 30 જાન્યુઆરીએ યોજાઈ હતી. મેયરની ચૂંટણીમાં કથિત હેરાફેરી અંગે કોંગ્રેસ અને AAPની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર રોક લગાવી દીધી હતી અને બેલેટ પેપર સીલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે મેયરની ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસર રહેલા અનિલ મસીહને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે, CCTV ફૂટેજ પરથી સ્પષ્ટ થાય છે કે તેમણે (પ્રિસાઇડિંગ ઓફિસર) બેલેટ પેપર બગાડ્યા હતા. તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. આ લોકશાહીની મજાક છે. લોકશાહીની હત્યા છે. કોર્ટે અનિલ મસીહને 19 ફેબ્રુઆરીએ સુનાવણીમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.
30 જાન્યુઆરીના રોજ, સાંસદ કિરણ ખેરે ચંડીગઢ મેયરની ચૂંટણીમાં પોતાનો મત આપ્યા પછી મતગણતરી શરૂ થઈ હતી. ભાજપની તરફેણમાં 16 મત પડ્યા હતા, જ્યારે કોંગ્રેસ અને AAP જોડાણની તરફેણમાં 20 મત પડ્યા હતા, પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસરે કથિત રીતે તેમના 8 મતો રદ કર્યા હતા અને 16 કાઉન્સિલરો દ્વારા સમર્થિત ભાજપની જીત જાહેર કરી હતી. આ પછી AAP અને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. મેયરની ચૂંટણીના પ્રિસાઇડિંગ ઓફિસર રહેલા અનિલ મસીહનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ બેલેટ પેપર પર પેનનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. આ વીડિયોને AAP અને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કર્યો હતો.
ભાજપ ભાજપના નેતા અરુણ સૂદે કહ્યું હતું કે, અમારી પાસે સંપૂર્ણ બહુમતી છે અને મેયર અમારો જ રહેશે. કાઉન્સિલર નેહા મુસાવતે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી તેની નીતિઓમાં નિષ્ફળ ગઈ છે અને તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાઈ છે. પૂનમ દેવીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબો અને દલિતોના મસીહા છે અને તેમણે સમાજના દરેક વર્ગ માટે ઘણાં વિકાસ કાર્યો કર્યા છે અને તેઓ ભાજપમાં જોડાઈને ખૂબ જ ખુશ છે. ગુરચરણ કલાએ કહ્યું હતું કે તેઓ પહેલેથી જ ભાજપમાં હતા, તેમને કેટલાક લોકો દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને હવે તેઓ તેમની જૂની પાર્ટીમાં પાછા ફર્યા છે.
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી…
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી...