ADGP વાય એસ પૂરનની આત્મહત્યાને લઈને ચંદીગઢ મહાપંચાયતે ચીમકી ઉચ્ચારી, સરકારને આપ્યું 48 કલાકનું અલ્ટિમેટમ

ચંદીગઢ: હરિયાણા પોલીસમાં ફરજ બજાવતા ADGP વાય એસ પૂરનની આત્મહત્યાની સ્યુસાઈડ નોટ મળ્યા બાદ પોલીસ બેડામાં તણાવ વધી ગયો છે. કારણ કે સ્યુસાઈડ નોટમાં પોલીસ વિભાગના મોટા માથાઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને લઈને વાય એસ પૂરનની પત્ની આઈએએસ અધિકારી પત્ની અવનીત પી. કુમારે જવાબદાર અધિકારીઓ સામે એસસી-એસટી એક્ટ અને કલમ 108 હેઠળ કેસ દાખલ કરવાની માંગ કરી છે. ત્યારે હવે ચંદીગઢ મહાપંચાયત પણ ADGP વાય એસ પૂરનની આત્મહત્યા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી થાય તે માટે આગળ આવી છે. ADGP વાય એસ પૂરનની આત્મહત્યા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોસન કરવામાં આવશે એવી ચંદીગઢ મહાપંચાયતે ચીમકી ઉચ્ચારી છે.
ચંદીગઢ મહાપંચાયતે સરકારને આપ્યું અલ્ટિમેટમ
ચંદીગઢના સેક્ટર 20 ખાતે ગુરૂ રવિદાસ ભવન ખાતે આજે મહાપંચાયત બોલાવાઈ હતી. આ મહાપંચાયતમાં ADGP વાય એસ પૂરનની આત્મહત્યાને લઈને વિવિધ બાબતોની મંત્રણા કરવામાં આવી હતી. તમામ મંત્રણાને અંતે હરિયાણાના DGP શત્રુજીત કપૂરને પદભ્રષ્ટ કરી તેની ધરપકડ કરવાની તથા હાઈ કોર્ટના જજ આ કેસની તપાસ કરે તેવી માંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મહાપંચાયતના અધ્યક્ષ રિટાયર્ડ પ્રૉફેસર જય નારાયણે જણાવ્યું હતું કે, “મહાપંચાયતમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, હરિયાણા સરકાર 48 કલાકમાં DGP શત્રુજીત કપૂરને પદ પરથી હટાવે. સાંજે પંજાબના રાજ્યપાલને અરજી આપવામાં આવશે. જેના 48 કલાક બાદ કમિટિ દ્વારા આગળ નિર્ણય લેવામાં આવશે અને ચંદીગઢમાં સફાઈકાર્ય સંપૂર્ણપણ અટકાવી દેવામાં આવશે.”
આ પણ વાંચો: હરિયાણાના પોલીસ બેડામાં ખળભળાટઃ આઈપીએસ અધિકારીએ રહસ્યમય સંજોગોમાં કરી આત્મહત્યા
આમ, ચંદીગઢ મહાપંચાયતે સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે કે, જો પોતાની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
સૌને શાંતિ રાખવાની મહાપંચાયતની અપીલ
મહાપંચાયત બાદ સૌને શાંતિ રાખવાની અપીલ કરવામાં આવી હતી. પરંતુ મહાપંચાયતના કેટલાક કાર્યકર્તાઓ રાજભવન પહોંચવાની તૈયારી કરી રહ્યા હતા. કેટલાક લોકોએ રસ્તા પર ઉતરી આવીને સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો. જોકે, મહાપંચાયતે પોતાને આ બાબતથી અળગી રાખી છે. કેટલાક લોકો વ્યક્તિગત રીતે સૂત્રોચ્ચાર અને પ્રદર્શન કરી રહ્યા છે, એવું મહાપંચાયતે જણાવ્યું છે. જોકે, આવા લોકોને પોલીસે આગળ વધતા અટકાવી દીધા હતા.