ચંદા કોચર-વીડિયોકોન કેસ: ટ્રિબ્યુનલે મની લોન્ડરિંગનો કેસ ગણાવ્યો, ફ્લેટ જપ્તી યથાવત્...

ચંદા કોચર-વીડિયોકોન કેસ: ટ્રિબ્યુનલે મની લોન્ડરિંગનો કેસ ગણાવ્યો, ફ્લેટ જપ્તી યથાવત્…

નવી દિલ્હીઃ વીડિયોકોન ગ્રુપ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના કેસમાં આઇસીઆઇસીઆઇ બેન્કના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) અને મેનેજિંગ ડિરેક્ટર (એમડી) ચંદા કોચર અને તેમના પતિ સામે મની લોન્ડરિંગનો “પ્રાથમિક દૃષ્ટિએ” કેસ થાય છે તેવું એક એપેલેટ ટ્રિબ્યુનલે કહ્યું હતું. ટ્રિબ્યુનલે દંપત્તિના કરોડો રૂપિયાની કિંમતના મુંબઈ સ્થિત ફ્લેટને જપ્ત કરવાના ઈડીના 2020ના આદેશને યથાવત રાખ્યો હતો.

વીડિયોકોન ગ્રુપે 64 કરોડની રકમ ટ્રાન્સફર કરી હતી
ટ્રિબ્યુનલે 3 જૂલાઈના તેના આદેશમાં કહ્યું હતું કે ચંદા કોચર સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા લગાવવામાં આવેલા “લેવડદેવડના બદલામાં લાભ”ના આરોપમાં આધાર છે. આ આરોપ વીડિયોકોન ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (વીઆઇઈએલ)ને 300 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવા સાથે સંબંધિત છે. લોન મેળવ્યા પછી વીડિયોકોન ગ્રુપે એનઆરપીએલ નામની કંપનીને 64 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી હતી. એનઆરપીએલ ચંદા કોચરના પતિ દીપક કોચરની કંપની છે.

chanda kochhar

ચંદા કોચરે પોતાના સત્તાવાર પદનો “દુરુપયોગ” કર્યો
આ લોનને આઇસીઆઇસીઆઇ બેન્કની મંજૂરી સમિતિ દ્ધારા જૂન 2009 અને ઓક્ટોબર 2011ની વચ્ચે મંજૂર કરવામાં આવી હતી અને ચંદા કોચર લોન આપનારી કંપનીના એમડી અને સીઇઓ સિવાય આ સમિતિના સભ્ય પણ હતા. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) દ્વારા દાખલ કરાયેલી એક એફઆઈઆર પર આધારિત ઈડીના કેસમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચંદા કોચરે આ રકમ મંજૂર કરતી વખતે પોતાના સત્તાવાર પદનો “દુરુપયોગ” કરીને આઇસીઆઇસીઆઇ બેન્ક સાથે છેતરપિંડી કરવા માટે એક “ગુનાહિત કાવતરું” ઘડ્યું હતું.

2020માં સીબીઆઈએ મુંબઈનો ફ્લેટ કામચલાઉ જપ્ત કર્યો
તપાસ એજન્સીઓ અનુસાર, ચંદા કોચરે તેમના પતિના માધ્યમથી વીઆઇએલ અથવા વીડિયોકોન ગ્રુપના પ્રમોટર વી. એન. ધૂત પાસેથી ગેરકાયદેસર રીતે લાભ મેળવ્યો હતો. ઈડીએ જાન્યુઆરી 2020માં મુંબઈના ચર્ચગેટમાં આવેલા સીસીઆઇ ચેમ્બર્સ ખાતેના કોચરના ફ્લેટ નંબર 45ને કામચલાઉ રીતે જપ્ત કર્યો હતો, જે એનઆરપીએલની મિલકત છે.

દરોડામાં 10 લાખ રુપિયાની રોકડ જપ્ત કરી હતી
આ ઉપરાંત, એજન્સી દ્ધારા દીપક કોચરની બીજી કંપની પર દરોડા દરમિયાન 10.5 લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી હતી. નવેમ્બર 2020માં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ)ના ન્યાયાધીશ સત્તાવાળાએ નવેમ્બર 2020માં ઈડીની જપ્ત કરાયેલી સંપત્તિની પુષ્ટી કરવાનો ઈનકાર કરી દીધો હતો. પરિણામે ફેડરલ તપાસ એજન્સીએ એપેલેટ ટ્રિબ્યુનલમાં અપીલ કરી હતી.

પ્રતિવાદીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગના ગુનાનો કેસ
ટ્રિબ્યુનલે કહ્યું હતું કે, “એ સત્ય હોઈ શકે છે કે આ મુદ્દાનો નિર્ણય ટ્રાયલ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે પરંતુ અમને પ્રાથમિક દ્રષ્ટિએ પ્રતિવાદીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગના ગુનાનો કેસ બને છે અને તેથી ઈડીનો જપ્ત કરવાનો આદેશ યોગ્ય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે “દીપક કોચર અને વીડિયોકોન ગ્રુપ દ્વારા શરૂ કરાયેલા ઉદ્યોગોના કામકાજમાં સંપૂર્ણ હેરાફેરી કરવામાં આવી હતી.”

બેન્કના નિયમો અને નીતિઓ અનુસાર કાર્યની અપેક્ષા
ટ્રિબ્યુનલે ચંદા કોચરની દલીલને ફગાવી દીધી હતી કે તેણી તેના પતિના વ્યવસાયિક બાબતોથી વાકેફ નથી અને તેણીએ તેની અરજીમાં અજ્ઞાનતાનો દાવો કર્યો હતો. ટ્રિબ્યુનલે તેના 82 પાનાના આદેશમાં કહ્યું હતું કે પ્રતિવાદી (ચંદા કોચર) પાસેથી બેન્કના નિયમો અને નીતિઓ અનુસાર કાર્ય કરવાની અપેક્ષા હતી અને તે તેના પતિના સંબંધો અને મામલાઓ અંગે અજ્ઞાનતાનો દાવો કરી શકતી નથી.

આઇસીઆઇસીઆઇ બેન્ક દ્ધારા વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપને 300 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવી, જેની સમિતિમાં ચંદા કોચરનો સમાવેશ થતો હતો, તે બેન્કના નિયમો અને નીતિઓ વિરુદ્ધ હતું ઉપરોક્ત ફ્લેટ 64 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો અને એટલા માટે ઈડીએ તેને ગુનાની રકમ ગણાવીને જપ્ત કરી લીધો હતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button