ચાંદ છુપા પ્રદુષણ મે…: સુહાગનોના ઉપવાસ ક્યારે ખોલવા દેશે ખરાબ હવા…
આજે દેશભરમાં પરિણિત મહિલાઓ કરવા ચોથનું વ્રત રાખે છે. હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલોને લીધે આ વ્રત માત્ર પંજાબ તે જ ઉત્તર ભારતમાં જ નહીં પણ ઠેર ઠેર ઉત્સાહથી ઉજવવામાં આવે છે. પરિણિત મહિલાઓ આ વ્રત પતિની લાંબી ઉંમર અને સુખ-સ્વાસ્થ્ય માટે રાખે છે. આ વ્રત દરમિયાન મહિલાઓ આખો દિવસ ભૂખી રહે છે અને સાંજે ચાંદ દેખાયા બાદ ચારણીમાંથી પતિનો ચહેરો જોઈ પોતાનું વ્રત ખોલે છે. હવે સમસ્યા એ છે ચાંદ દેખાવાનો સમય તો સાંજે આઠ પછીનો છે, પરંતુ દિલ્હી,નોઈડા, હરિણાયા સહિતના ઘણાએ શહેરોમાં સખત પ્રદુષણને લીધે હવા ખરાબ થઈ છે અને આકાશ ચોખ્ખુ નથી, ત્યારે વાદળોની પાછળ છુપાયેલો ચાંદ સમયસર દેખાશે કે નહીં તે ચિંતા મહિલાઓ સહિત પરિવારને છે.
દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ કરવા ચોથનું વ્રત રાખવામાં આવે છે અને મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે. દિલ્હી સહિત દેશની તમામ મહિલાઓ ચંદ્ર ઉગવાની રાહ જુએ છે. પરંતુ દિલ્હી અને એનસીઆરમાં પ્રદૂષણને કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે. પ્રદૂષણને કારણે દિલ્હી એનસીઆરમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. જેના કારણે દરેકના મનમાં એક સવાલ આવી રહ્યો છે કે શું આજે દિલ્હીમાં ચંદ્ર દેખાશે કે નહીં.
સફર ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર દિલ્હીનો AQI રવિવારથી ખૂબ જ નબળો રહ્યો છે જે 309 નોંધાયો હતો. ઠંડીની મોસમ પણ આવી ગઈ છે. દિવસ અને રાતનો તફાવત રહ્યો છે. તેમજ ઠંડીના કારણે આકાશ ધુમ્મસથી ઘેરાયેલું છે. સૂર્ય પણ સ્પષ્ટ દેખાતો નથી. દિલ્હી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે આકાશ વાદળછાયું રહેશે. તેમજ મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાની સંભાવના છે. સવાર-સાંજ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
કરવા ચોથનું સમયપત્રક જોઈએ તો 1લી નવેમ્બરે કરવા ચોથ પૂજા માટેનો શુભ સમય સાંજે 05:36 થી 06:54 સુધીનો છે. પૂજાનો કુલ સમયગાળો એક કલાક 18 મિનિટનો છે. પંચાંગ અનુસાર કરવા ચોથ વ્રત 1 નવેમ્બરે સવારે 06.33 વાગ્યાથી શરૂ થઈને ચંદ્રોદય સુધી રહેશે. ઉપવાસની કુલ અવધિ 13 કલાક 42 મિનિટ છે. ચંદ્રોદયનો સમય સાંજે 8.7 વાગ્યાનો છે. જોકે જાણકારો કહે છે કે ચાંદ ન દેખાય તો ચંદ્રોદયની દિશામાં ઊભા રહી અર્ધ્ય આપી તમામ પરંપરાઓ અનુસરી શકાય છે. જોકે સુહાગન મહિલાઓ તો ઈચ્છી રહી છે કે તેમને ચાંદ દેખાય અને તે બાદ તેઓ વ્રત તોડે.