
રાંચી: ઝારખંડમાં નવી સરકાર અને નવા મુખ્ય પ્રધાન તરીકે ચંપઈ સોરેને આજે શપથ લીધા છે. આ ઉપરાંત કોંગ્રેસના આલમગીર આલમ અને આરજેડીમાંથી સત્યાનંદ ભોક્તાએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને દરેકને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. જો કે નવી સરકારે 10 દિવસમાં બહુમત સાબિત કરવો પડશે. ચંપઈ સોરેન ઝારખંડના 12મા સીએમ તરીકે શપથ લીધા હતા. તેમજ શાસક ગઠબંધનના ધારાસભ્યોને બે દિવસ માટે ચાર્ટર્ડ પ્લેન દ્વારા હૈદરાહાદ મોકલી દેવામાં આવ્યા છે.
હેમંત સોરેનના રાજીનામા બાદ લગભગ 30 કલાક સુધી ચાલેલા હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ રાજ્યપાલે ગુરુવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે તેમને રાજભવન બોલાવ્યા અને સીએમ તરીકે તેમની નિમણૂક વિશે માહિતી આપી અને નામાંકન પત્ર સોંપ્યું હતું.
ED દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ બુધવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે હેમંત સોરેને સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ચંપઈ સોરેને રાજ્યપાલને 43 ધારાસભ્યોની સહીવાળો પત્ર સુપરત કર્યો અને સરકાર બનાવવાનો દાવો કર્યો. તેમણે કહ્યું હતું કે અમારી પાસે કુલ 47 ધારાસભ્યોનું સમર્થન છે. જો કે ચંપઈ સોરેન 5 ફેબ્રુઆરીએ વિધાનસભામાં બહુમત સાબિત કરશે.
નોંધનીય છે કે ચંપઈ સોરેન હેમંત સોરેનની સરકારમાં પરિવહન પ્રધાન હતા. 68 વર્ષીય ચંપઈ કોલ્હાન વિભાગના સરાઈકેલા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. તેમને હેમંત સોરેનના સૌથી વિશ્વાસુ વ્યક્તિ માનવામાં આવે છે.
મળતી માહિતી અનુસાર રાંચીમાં સત્તાધારી ગઠબંધનના 35 ધારાસભ્યો હૈદરાબાદ જઈ રહ્યા છે. પરંતુ કેટલાક ધારાસભ્યો હૈદરાબાદ જવા માટે તૈયાર નથી. કારણકે રાહુલ ગાંધીનું ભારત જોડો ન્યાય યાત્રા આજે ઝારખંડમાં પ્રવેશી રહી છે. ત્યારે પાર્ટીના કેટલાક ધારાસભ્યો આ યાત્રામાં ભાગ લેશે. ચંપઈ સોરેને નવી સરકારની રચનાને લઈને રાજ્યપાલને 43 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપ્યો હતો. જેમાં ખુદ ચંપઈ સોરેન, કેબિનેટ પ્રધાન આલમગીર આલમ અને સત્યાનંદ ભોક્તાનું નામ પણ સામેલ હતું. આ ત્રણેય નેતાઓ હાલ રાંચીમાં જ રોકાશે.
ત્યારે ચંપઈ સોરેને મુખ્ય પ્રધાન પદના શપથ લેતા પહેલા શિબુ સોરેનના આશીર્વાદ લીધા અને કહ્યું હતું કે હું શપથ લેતા પહેલા મારા ગુરુજી એટલે કે શિબુ સોરેન પાસેથી આશીર્વાદ લેવા આવ્યો હતો. અને અમે ટૂંક સમયમાં (બહુમતી) સાબિત કરીશું.