ચમોલીમાં હાઈડ્રો પાવર પ્રોજેક્ટની ટનલમાં બે લોકો ટ્રેનો સામસામે અથડાઈ, 70 મજૂરો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. પીપલકોટીમાં ચાલી રહેલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટની ટનલમાં મંગળવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સામાન્ય રીતે સુરક્ષિત મનાતી ટનલની કામગીરી દરમિયાન અચાનક થયેલી ટ્રેનોની ટક્કરે કામદારોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ ઘટનાએ પહાડી વિસ્તારોમાં ચાલતા પ્રોજેક્ટ્સની આંતરિક સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કર્યા છે.
THDC (ટિહરી હાઈડ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશન) ના વિષ્ણુગઢ પીપલકોટી પ્રોજેક્ટમાં જ્યારે રાત્રે 10 વાગ્યે મજૂરોની શિફ્ટ બદલાઈ રહી હતી, ત્યારે આ અકસ્માત થયો હતો. ટનલની અંદર મજૂરોને લાવવા-લઈ જવા માટે વપરાતી બે ‘લોકો ટ્રેન’ (સ્થાનિક ટ્રોલી ટ્રેન) વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. તે સમયે બંને ટ્રેનોમાં મળીને અંદાજે 108 જેટલા શ્રમિકો સવાર હતા, જેમાંથી 70 જેટલા મજૂરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. મહત્વની વાત એ છે કે આ ટ્રેનો ભારતીય રેલવેની નથી, પરંતુ પ્રોજેક્ટની પોતાની ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા હતી.
પ્રાથમિક તપાસ મુજબ, કોઈ ટેકનિકલ ખામીને કારણે પાછળથી આવતી ટ્રેને આગળ જઈ રહેલી ટ્રેનને ધડાકાભેર ટક્કર મારી હતી. ટનલનો એ ભાગ અંધકારમય હોવાથી મજૂરોને સંભળવાનો મોકો જ ન મળ્યો અને ટ્રેનની અંદર જ એકબીજા પર પટકાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ટનલની અંદર અફરાતફરી મચી ગઈ હતી અને બહાર નીકળવા માટે મજૂરોમાં દોડધામ થઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર ઘટનાસ્થળે દોડી ગયું હતું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગોપેશ્વર અને પીપલકોટીની હોસ્પિટલોમાં ખસેડાયા છે. હાલ 42 શ્રમિકો ગોપેશ્વર જિલ્લા હોસ્પિટલમાં અને 17 પીપલકોટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મોટાભાગના શ્રમિકો ઝારખંડ અને ઓડિશાના વતની હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાએ હોસ્પિટલની મુલાકાત લઈ તમામ ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા આદેશ આપ્યા છે.
આ ઘટના બાદ હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં વપરાતા ટ્રાન્સપોર્ટ સાધનોની સુરક્ષા અંગે ચર્ચાઓ જાગી છે. શિફ્ટ બદલાતી વખતે જ્યારે મોટી સંખ્યામાં માણસોની અવરજવર હોય ત્યારે આવી ટેકનિકલ ખામી કેવી રીતે સર્જાઈ તે તપાસનો વિષય છે. હાલમાં તમામ ઘાયલોની હાલત સ્થિર હોવાનું તબીબો જણાવી રહ્યા છે, પરંતુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મજૂરો પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.



