કોટા: ચંબલ નદીમાં 7 લોકો ફસાયા, એકનો બચાવ; 6 લોકો પાણીના પ્રવાહમાં તણાયા…

કોટા: રાજસ્થાનના કોટામાં બેરેજમાં પાણી છોડાયા બાદ ચંબલ નદીમાં ભયજનક સ્તરેથી પાણી વહી રહ્યું છે. જેના કારણે સાત લોકો પાણીમાં ફસાઈ ગયા હતાં. આ સાત લોકો પૈકી 6 લોકો પાણીના પ્રવાહમાં તણાયા હતાં, જયારે એક વ્યક્તિ નદીની વચ્ચે ટાપુ પર ફસાઈ ગયો હતો. ઘટનાની વિગતો મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ અને પોલીસની ટીમે પહોંચીને એક વ્યક્તિને બચાવી લીધો હતો.
ચંબલ નદીમાં 7 લોકો ફસાયા
સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ચંબલ નદીમાં 7 લોકો ફસાયા હોવાની વિગતો મળી હતી. પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તે પહેલા ત્રણ વ્યક્તિ પાણીના પ્રવાહમાં તણાય ગયા હતાં. જ્યારે ચાર વ્યક્તિ બચાવવા માટેની બુમ પાડી રહ્યા હતાં. જોત જોતામાં જ ત્રણ લોકો પણ પાણીમાં તણાઈ ગયા હતાં પરંતુ એક વ્યક્તિ ટાપુ પર ફસાઈ ગયો હતો. જેને રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ બચાવી લીધો હતો.
જે વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો તેને પોતાનું નામ નિમોદા હરજી નિવાસી બંસીલાલ જણાવ્યું હતું. જ્યારે, ગામનાં જ નિવાસી પાંચુલાલ પાણીમાં તણાઈ ગયા હતા. અન્ય ચારમાંથી એક વ્યક્તિ પાંચુલાલનો સાળો હતો અને અન્ય ત્રણ તેના પરિચિતો હતા, જેઓ કેથૂન વિસ્તારના ચેનપુરિયા ગામના નિવાસી હોવાનું જાણવા મળ્યું હતું.