Book My Showના CEO પર coldplayની ટિકિટોના કાળાબજારનો આરોપ, થઇ શકે છે ધરપકડ

પોલીસને coldplay કોન્સર્ટ માટે ટિકિટોના બ્લેક માર્કેટિંગની શંકા છે અને તેથી તેણે ઓનલાઈન ટિકિટિંગ પ્લેટફોર્મ ‘બુક માય શો’ના સીઈઓને સમન્સ પાઠવ્યું છે.
દેશભરના યુવાનોમાં coldplayના કોન્સર્ટનો ભારે ક્રેઝ છે. coldplay આવતા વર્ષે 18, 19 અને 21 જાન્યુઆરી 2025ના રોજ નવી મુંબઇના ડી. વાય. પાટિલ સ્ટેડિયમ ખાતે કોન્સર્ટ કરવાનો છે. કોલ્ડપ્લેના કોન્સર્ટની ટિકિટ બુક માય શોમાં 22 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે શરૂ થઈ હતી. પરંતુ થોડી જ સેકન્ડોમાં સાઈટ પર ટેકનિકલ ખામી સર્જાઈ અને થોડી જ વારમાં શોની તમામ ટિકિટો ‘સોલ્ડ આઉટ’ થઈ ગઈ હતી. કોન્સર્ટની ટિકિટની કિંમત મૂળ રૂ. 2500 થી રૂ. 35,000 હતી, પણ આ બધી ટિકિટો ચપોચપ વેચાઇ ગઇ હતી અને ત્યાર બાદ વાયાગોગો અને ગિગ્સબર્ગના જેવા કેટલાક રિ-સેલર પ્લેટફોર્મ પર આ ટિકિટો 35,000 રૂપિયાથી લઈને 3 લાખ રૂપિયા સુધીની કિંમતમાં વેચાઇ રહી હોવાની માહિતી મળી હતી.,
મુંબઇના એક વકીલ અમિત વ્યાસે કોલ્ડપ્લે કોન્સર્ટ ટિકિટના બ્લેક માર્કેટિંગને લઈને મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આના પર કાર્યવાહી કરતા પોલીસે બુક માય શોના સીઈઓને સમન્સ મોકલ્યા છે.
નોંધનીય છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં, ‘બુક માય શો’ એ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ટિકિટના વેચાણ અને પુનઃવેચાણના પ્લેટફોર્મ Viagogo અને Gigsberg સાથે તેને કોઈ લેવાદેવા નથી. એટલું જ નહીં, તેણે ગ્રાહકોને ટિકિટની આડમાં છેતરપિંડીથી બચવા માટે પણ અપીલ કરી હતી.
નોંધનીય છે કે ભારતીય કાયદા અનુસાર, દેશમાં કોઈપણ મૂવી અથવા શોની ટિકિટની જથ્થાબંધ ખરીદી અથવા તેનું પુનઃવેચાણ કરવું એ સજાપાત્ર ગુનો છે. કંપનીનું કહેવું છે કે તેણે તેના પ્લેટફોર્મ પર ટિકિટના તત્કાલ વેચાણને લઈને પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. તેણે એમ પણ જણાવ્યું છે કે તે પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા તૈયાર છે.