કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ડુંગળી પરથી 20 ટકા નિકાસ ડયુટી 1 એપ્રિલથી પાછી ખેંચાશે

નવી દિલ્હી : દેશના ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ મળે તે હેતુથી કેન્દ્ર સરકારે 1 એપ્રિલ 2025ની ડુંગળીની નિકાસ(Onion Exports)પર 20 ટકા ડ્યુટી પાછી ખેંચી લીધી છે.આ અંગે સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે. સરકારે સ્થાનિક ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે 8 ડિસેમ્બર, 2023 થી 3 મે, 2024 સુધી લગભગ પાંચ મહિના માટે ડ્યુટી, લઘુત્તમ નિકાસ ભાવ (MEP) અને નિકાસ પ્રતિબંધ દ્વારા નિકાસને નિયંત્રિત કરવા માટે પગલાં લીધા હતા. સરકારે 20 ટકાની નિકાસ ડ્યુટી 13 સપ્ટેમ્બર 2024થી અમલી બનાવી હતી.
આ પણ વાંચો: Onion માં ભાવમાં ઘટાડાના સંકેત, જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક
ડુંગળીની માસિક નિકાસનું પ્રમાણ 0.72 લાખ મેટ્રિક ટન
સરકારે નિકાસ પ્રતિબંધ મૂકવા હોવા છતાં નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન કુલ ડુંગળીની નિકાસ 17.17 લાખ મેટ્રિક ટન અને નાણાકીય વર્ષ 2024-25 11.65 લાખ મેટ્રિક ટન હતી. સપ્ટેમ્બર 2024 માં ડુંગળીની માસિક નિકાસનું પ્રમાણ 0.72 લાખ મેટ્રિક ટન થી વધીને જાન્યુઆરી 2025 માં 1.85 લાખ મેટ્રિક ટન થયું છે.
સરેરાશ છૂટક ભાવમાં 10 ટકાનો ઘટાડો
કેન્દ્ર સરકારના નિર્ણયથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે અને ગ્રાહકોને ડુંગળી યોગ્ય ભાવે મળશે. હાલ રવિ પાકની અપેક્ષિત સારી આવકને કારણે બજાર અને છૂટક ભાવ બંનેમાં ઘટાડો થયો છે. જોકે હાલમાં બજાર ભાવ પાછલા વર્ષોના સમાન સમયગાળાના સ્તર કરતા વધારે છે. તેમ છતાં ઓલ ઈન્ડિયા વેઈટેડ એવરેજ મોડેલ ભાવમાં 39 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેવી જ રીતે છેલ્લા એક મહિનામાં સમગ્ર ભારતમાં સરેરાશ છૂટક ભાવમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ભાવમાં ઘટાડો થયો છે
આ મહિને લાસલગાંવ અને પિંપળગાંવના બેન્ચમાર્ક બજારોમાં ડુંગળીની આવક વધી છે. જેના કારણે ભાવમાં ઘટાડો થયો છે. 21 માર્ચ 2015 ના રોજ લાસલગાંવ અને પિંપળગાંવ ખાતે મોડેલ ભાવ અનુક્રમે રૂપિયા 1330 પ્રતિ ક્વિન્ટલ અને રૂપિયા 1325 પ્રતિ ક્વિન્ટલ હતા.
રવિ પાકનું ઉત્પાદન 227 લાખ મેટ્રિક ટન
કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અંદાજ મુજબ, આ વર્ષે રવિ પાકનું ઉત્પાદન 227 લાખ મેટ્રિક ટન છે. જે ગયા વર્ષના 192 LMT કરતા 18 ટકા વધુ છે. ભારતના કુલ ડુંગળી ઉત્પાદનમાં રવિ ડુંગળીનો ફાળો 70-75 ટકા છે. જે ઓક્ટોબર/નવેમ્બરથી ખરીફ પાકના આગમન સુધી એકંદર ઉપલબ્ધતા અને ભાવ સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે. આ સિઝનમાં ઉત્પાદન વધવાની અપેક્ષા છે. જેના કારણે આગામી મહિનાઓમાં બજાર ભાવમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે.