ટોપ ન્યૂઝનેશનલ

કેન્દ્ર સરકારે 18,000 કરોડના રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી…

મહારાષ્ટ્ર, ઓડિશા અને છત્તીસગઢના 15 જિલ્લાને મળશે લાભ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આજે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયની જાહેરાત કરી હતી. કેન્દ્રીય રેલવે અને આઈટી (ઈન્ફ્રમેશન એન્ડ ટેક્નોલોજી) પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે આજે રેલવે મંત્રાલયે ચાર યોજનાને મંજૂરી આપી છે. 18,658 કરોડ રુપિયાના પ્રોજેક્ટવાળી ચાર યોજનામાં મહારાષ્ટ્ર, ઓડિશા અને છત્તીસગઢના 15 જિલ્લાને કવર કરવામાં આવશે. આ ચાર યોજનાને સાકાર કરવાથી વર્તમાન રેલવે નેટવર્કમાં પણ 1,247 કિલોમીટરમાં વધારો થશે.

ગોંદિયા-બલ્હારશાહ રેલવે ડબલિંગનો સમાવેશ
કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું હતું કે દેશમાં મહત્ત્વના રાજ્યોમાં ખાસ કરીને સંબલપુર-જરાપદા ત્રીજી અને ચોથી લાઈન, ઝારસુગુડા-સાસન ત્રીજી-ચોથી લાઈન, ખરસિયા-નયા રાયપુર-પરમલકાસા પાંચમી-છઠ્ઠી લાઈન તેમ જ ગોંદિયા-બલ્હારશાહ ડબલિંગ લાઈનનો સમાવેશ થાય છે.

19 સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે
રેલવે પ્રધાને જણાવ્યું કે દેશના 19 રેલવે સ્ટેશનનું નિર્માણ કાર્ય કરવામાં આવશે. રેલવે સ્ટેશનના નિર્માણ કરવાના ભાગરુપે મહારાષ્ટ્રમાં ગઢચિરોલી અને છત્તીસગઢમાં રાજનાંદગાંવની રેલ ક્નેક્ટિવિટી ઊભી થશે. બંને રાજ્ય વચ્ચે કનેક્ટિવિટી ઊભી થવાને કારણે લગભગ 3,350 ગામ અને લગભગ 47 લાખથી વધુ લોકોને તેનો લાભ મળશે.

મલ્ટિ-ટ્રેકિંગ અને ગૂડ્સ ટ્રેનનું પરિવહન વધશે
નવી રેલવે લાઈનના નિર્માણ સાથે મલ્ટિ ટ્રેકિંગ પ્રસ્તાવને કારણે ભીડને ઘટાડવામાં મદદ મળશે. આ ઉપરાંત, નવી રેલવે લાઈનને કારણે ગૂડ્સ ટ્રેનના પરિવહનમાં વધારો થશે. ખરસિયા-નયા રાયપુર-પરમલકાસા બલોદા માર્કેટમાં ડાયરેક્ટ રેલ કનેક્ટિવિટી વધશે. આ જ કોરિડોરમાંથી કૃષિ ઉત્પાદનો, ખાતર, કોલસો, લોખંડ, સ્ટીલ, સિમેન્ટ, ચૂનાના પથ્થરો સહિત અન્ય વસ્તુઓનું ઝડપથી પરિવહન કરી શકાશે.

પર્યાવરણ માટે રેલવે કુશળ સાધન છે
રસ્તઓ પરના વધતા અકસ્માતો અને પ્રદૂષણની તુલનામાં રેલવેનું પરિવહન ઝડપી અને એકસાથે વધુ લોકો ટ્રાવેલ કરી શકે છે. આ મુદ્દે રેલવે પ્રધાને કહ્યું હતું કે રેલવે પર્યાવરણ માટે અનુકૂળ અને ઊર્જા બચાવનારું કુશળ સાધન છે. ઓઈલના ઓછા વપરાશ અને સીઓ2 ઉત્સર્જન (477 કરોડ કિલોગ્રામ)ને ઘટાડવામાં પણ મદદ કરે છે, જે 19 કરોડ વૃક્ષ વાવવા બરાબર છે.

આપણ વાંચો : સ્ટારલિંકના કારણે ભારતીય રેલ્વેને ફાયદો થશે, IT મંત્રી અશ્વિની વૈષ્ણવે વ્યક્ત કર્યો વિશ્વાસ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button