નેશનલ

ગરમી લાગે તો કોલ્ડડ્રીંક્સ ના પીવો! કેન્દ્ર સરકારે ગાઈડલાઈન્સ જાહેર કરી, રાજ્યોને આપ્યા નિર્દેશ…

નવી દિલ્હી: માર્ચ મહિનો પૂરો થાય એ પહેલા જ બપોરના સમયે બળબળતો તાપ પડવા લાગ્યો છે, આવનારા દિવસોમાં ગરમીમાં વધારો થાય એવી શક્યતા (heatwave in India) છે. ગરમી વધવાની સાથે ડીહાઈડ્રેશન અને લૂ લાગવાના કેસોમાં વધારો થશે, એ પહેલા કેન્દ્ર સરકારે જાહેર કાર્યક્રમોના આયોજન માટે કડક નિયમો લાગુ કર્યા છે.

સરકારે નિર્દેશ આપ્યો છે કે કોઈપણ ધાર્મિક, રાજકીય, સરકારી કે અન્ય મોટા જાહેર કાર્યક્રમમાં દરેક વ્યક્તિ માટે ઓછામાં ઓછા બે લિટર પીવાના પાણીની વ્યવસ્થા કરાવી ફરજીયાત રહેશે. સરકારે લોકોને કોલ્ડડ્રીંક્સ ન પીવા પણ સલાહ આપી છે, આ નિયમો જુલાઈ મહિના સુધી અમલમાં રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, માર્ચથી જુલાઈ દરમિયાન દેશના 20 થી વધુ રાજ્યોમાં તીવ્ર ગરમી પડવાની શક્યતા છે. અહેવાલ મુજબ કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે તામામ રાજ્યોને વિગતવાર ગાઈડલાઈન્સ મોકલી છે. જિલ્લા વહીવટીતંત્રને કોઈપણ જાહેર કાર્યક્રમને મંજૂરી આપતા પહેલા આ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ઓક્સફર્ડ યુનિવર્સીટીમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન હોબાળો, વિદ્યાર્થીઓએ કૌભાંડના મુદ્દા ઉઠાવ્યા..

મૃત્યુ અંગે રિપોર્ટિંગ ફરજિયાત:

સરકારે ગરમીને કારણે થતા મૃત્યુની નોંધ માટે એક નવી સિસ્ટમ લાગુ કરી છે. ગાઈડલાઈન્સ મુજબ જો કોઈ વ્યક્તિ હીટ વેવ કે સનસ્ટ્રોકને કારણે મૃત્યુ પામે છે, તો તેનું પોસ્ટમોર્ટમ ફરજિયાતપણે કરવામાં આવશે. બધા આરોગ્ય કેન્દ્રોએ આવા કેસોના દૈનિક અહેવાલો રાજ્ય અને કેન્દ્રને મોકલવાના રહેશે.

કૂલિંગની વ્યવસ્થા જરૂરી:

કાર્યક્રમોમાં ORS સોલ્યુશન અને આઈસ પેકથી સજ્જ તબીબી ટીમો તૈનાત કરવાનું પણ ફરજિયાત રહશે. ગરમીથી પ્રભાવિત દર્દીઓની સારવાર માટે હોસ્પિટલોમાં યોગ્ય કૂલિંગની વ્યવસ્થા હોવી જોઈએ. હોસ્પિટલોમાં ઇમરજન્સી કૂલિંગ સિસ્ટમ્સ અને એમ્બ્યુલન્સ સર્વિસને વધુ સારી બનાવવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.

બપોરે બહાર ના નીકળો:

આરોગ્ય મંત્રાલયે લોકોને લૂથી બચાવ માટે સૂચનો આપ્યા છે. ગાઈડલાઈન્સમાં જણાવવામાં આવ્યું કે માર્ચ થી જૂન મહિના સુધી બપોરે 12 થી 3 વાગ્યા સુધી અનિવાર્ય કારણો સિવાય સીધા સૂર્યપ્રકાશમાં બહાર ન નીકળવું. સરકારે તમામ રાજ્યોને આ સંદેશ સામાન્ય લોકો સુધી પહોંચાડવા સૂચના આપી છે.

આ પણ વાંચો: ભારત કોઈ ધર્મશાળા નથી કે…. લોકસભામાં ઇમિગ્રેશન એન્ડ ફૉરેનર્સ બિલની ચર્ચા પર બોલ્યા અમિત શાહ

ચા, કોફી અને ઠંડા પીણાં ન પીવો:

ઉનાળામાં ઠંડાપીણાની માંગ વધી જતી હોય છે, ગરમીને કારણે લોકો ઠંડાપીણાં પીતા હોય છે, પરંતુ તેના કારણે વધુ મુશ્કેલીઓ ઉભી થઇ શકે છે. સરકારે ઉનાળા દરમિયાન લોકોને ચા, કોફી અને ઠંડા પીણાંથી દૂર રહેવાની સલાહ આપી છે. આ પીણાં પીવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે, જે હીટ સ્ટ્રોક અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધારી શકે છે.

પાણીના સ્ટોલ ઉભા કરો:

જાહેર કાર્યક્રમો દરમિયાન, દર 500 લોકો દીઠ ઓછામાં ઓછો એક પાણીનો સ્ટોલ હોવો જરૂરી રહેશે. નિષ્ણાતોના મતે, વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું ચાર લિટર પાણી પીવું જોઈએ જેથી શરીરમાં પાણીની કમી ન રહે.

ગરમીના તમામ રેકોર્ડ્સ તુટશે?

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 125 વર્ષમાં ફેબ્રુઆરીમાં તાપમાન ક્યારેય આટલું ઊંચું રહ્યું નથી. આ વર્ષે મહારાષ્ટ્ર અને ગોવામાં પહેલી વાર ફેબ્રુઆરીમાં મહિનામાં જ હીટ વેવનો અનુભવ થયો હતો. આવનારા મહિનાઓમાં લોકોએ આકરી ગરમી માટે તૈયાર રહેવું પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button