
નવી દિલ્હી: કેન્દ્ર સરકારમાં કાર્યરત કર્મચારીની સૌથી મોટી મૂંઝવણ પરિવાર અને કામના સમયને લઈ થતી ક્યારેક સમસ્યા ઊભી થતી હોય છે. ઘણી વખત સરકારી કર્મચારીઓ પોતાના વૃદ્ધ માતાપિતાની સેવા માટે પણ કામને કારણે સંભાળ રાખી શકતા નથી. આ મુદ્દે આજે રાજ્યસભામાં પણ ચર્ચા થઈ હતી. કેન્દ્રીય કાર્મિક રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ ઘરડા માતા-પિતાની દેખરેખ સહિત વ્યક્તિગત કારણોસર 30 દિવસ સુધીની રજા લઇ શકે છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવવામાં મદદ મળશે.
20 દિવસની અડધા પગારવાળી રજા પણ મળશે
મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહને રાજ્યસભામાં પૂછવામાં આવ્યું કે શું એવી કોઈ જોગવાઈ છે કે જેના હેઠળ માતા-પિતાની સંભાળ રાખવા માટે રજા લઈ શકાય. જેના જવાબમાં તેમણે કહ્યું સેન્ટ્રલ સિવિલ સર્વિસીઝ (લીવ) રૂલ્સ, 1972નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે કર્મચારીઓને માતા-પિતાની સંભાળ કે અંગત કારણોસર 30 દિવસની રજા મળી શકે છે. આ ઉપરાંત, 20 દિવસની અડધા પગારવાળી રજા, 8 દિવસની કેઝ્યુઅલ રજા અને વર્ષમાં 2 દિવસની પ્રતિબંધિત રજા પણ લઈ શકાય છે. આ તમામ રજાઓનો ઉપયોગ અંગત કારણો, ખાસ કરીને વૃદ્ધ માતા-પિતાની સંભાળ માટે થઈ શકે છે.

કામના દબાણ વચ્ચે પરિવારનું ધ્યાન રાખી શકાશે
સરકારી કર્મચારીઓને રજા સંબંધિત અનેક સુવિધાઓ મળે છે. આ નિયમો હેઠળ કર્મચારીઓને વિવિધ પ્રકારની રજાઓ ઉપલબ્ધ છે, જેમાં તબીબી રજા, માતૃત્વ લાભો અને વિશેષ રજાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કર્મચારીઓને તેમના અંગત અને પારિવારિક જવાબદારીઓ નિભાવવા માટે લવચીકતા પણ મળે છે, જેનાથી તેઓ કામના દબાણ વચ્ચે પણ પોતાના પરિવારનું ધ્યાન રાખી શકે.
સરકારનો આર્થિક-સામાજિક સુરક્ષા વધારવાનો આશય
કેન્દ્ર સરકારના કર્મચારીઓને રજા ઉપરાંત અન્ય અનેક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. આમાં આરોગ્ય સુવિધાઓ, પેન્શન, ગ્રેચ્યુટી, આવાસ અને મુસાફરી લાભો, બાળકો માટે શિષ્યવૃત્તિ, તહેવારોની ઍડવાન્સ અને વિશેષ પ્રસંગો માટે નાણાકીય સહાયનો સમાવેશ થાય છે. આ સુવિધાઓથી કર્મચારીઓનું જીવન સરળ બને છે અને તેમની આર્થિક તેમજ સામાજિક સુરક્ષા વધે છે.