નેશનલ

નવા વર્ષની શરૂઆતમાં કેન્દ્રએ વહીવટી તંત્રમાં કર્યા ફેરફાર, 48 અધિકારીઓને આપ્યું નવું પોસ્ટિંગ

નવી દિલ્હી: વર્ષ 2025ના અંતિમ દિવસે ભારત સરકારના વહીવટી માળખામાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. કેન્દ્ર સરકારે વિવિધ મહત્વના મંત્રાલયો અને વિભાગોમાં જોઈન્ટ સેક્રેટરી (સંયુક્ત સચિવ) અને એડિશનલ સેક્રેટરી કક્ષાના પદો પર નવી નિમણૂકોની જાહેરાત કરી છે. 31 ડિસેમ્બરની મોડી રાત્રે જારી કરાયેલા આદેશો મુજબ, ચાર ડઝનથી વધુ વરિષ્ઠ અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટી (ACC) એ આ મહત્વના ફેરબદલ પર મંજૂરીની મહોર મારી દીધી છે.

કાર્મિક અને તાલીમ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં 2009 બેચના IAS અધિકારી ચિન્મય ગૌતમરે અને 2005 બેચના IFS અધિકારી નેહા વર્માની જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેવી જ રીતે, વાણિજ્ય વિભાગમાં અમિત વર્મા, ઉજ્જવલ કુમાર ઘોષ અને કપિલ ચૌધરીને મહત્વની જવાબદારી સોંપાઈ છે, જ્યારે મનોજ કુમાર ગંગેયાને કોલસા મંત્રાલયમાં સંયુક્ત સચિવ પદ આપવામાં આવ્યું છે.

દેશના અન્ય મહત્વના વિભાગોની વાત કરીએ તો, રાહુલ જૈનને કોર્પોરેટ બાબતોના મંત્રાલયમાં અને કમલેશ કુમાર મિશ્રાને સંસ્કૃતિ મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા છે. સંરક્ષણ વિભાગમાં શાજન જ્યોર્જ પી વર્ગીસ અને પર્યાવરણ મંત્રાલયમાં તન્વી ગર્ગની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં સબિન સીને અને ખાદ્ય વિતરણ વિભાગમાં હનીશ છાબડાને નવી જવાબદારી સોંપવામાં આવી છે.

ગૃહ મંત્રાલયમાં પણ ફેરફાર કરતા નિષ્ઠા તિવારીને જોઈન્ટ સેક્રેટરી બનાવાયા છે, જ્યારે સત્યનારાયણ ગુપ્તાને ‘નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રિડ’ (NATGRID) માં મહત્વનું પદ અપાયું છે. શહેરી વિકાસ મંત્રાલયમાં ગુરજીત સિંહ ધિલ્લોન અને MSME મંત્રાલયમાં વિનમ્ર મિશ્રા તથા કેશવેન્દ્ર કુમારની નિમણૂક કરવામાં આવી છે. ખાસ કરીને ખાણ મંત્રાલય હેઠળના ‘નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશન’ ના વડા તરીકે સંદીપ વસંત કદમને જવાબદારી સોંપીને સરકારે મહત્વના પ્રોજેક્ટ્સને વેગ આપવાના સંકેત આપ્યા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button