નવી દિલ્હી: બાંગ્લાદેશમાં અનામતને લઈને શરૂ થયેલા આંદોલનમાં વડાપ્રધાન શેખ હસીનાની ખુરશીનો ભોગ લેવાય ચૂકયો છે અને તેઓ દેશને પણ છોડીને જતાં રહ્યા છે. ત્યારથી બાંગ્લાદેશમાં સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. બાંગ્લાદેશમાં હિન્દુ સહિત અનેક લઘુમતીઓ વિરુદ્ધ હિંસા ફાટી નીકળી છે. આ મામલે અમિત શાહના નિર્દેશ પર આ મામલે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ વર્તમાન પરિસ્થિતિ અને લઘુમતીઓની પર થતાં અત્યાચારોની સમીક્ષા કરશે.
આ સમય દરમિયાન, કેન્દ્રીય ગૃહ મંત્રાલય બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે ભારતીય હિંદુ સમુદાય અને ત્યાં રહેતા અન્ય લઘુમતીઓની સુરક્ષા માટે વન-ટુ-વન વાતચીત કરશે. આ ઉપરાંત ગૃહ મંત્રાલયની આ સમિતિ ભારત-બાંગ્લાદેશ સરહદ પરની સ્થિતિ પર પણ નજર રાખશે. ગૃહમંત્રી અમિત શાહ બાંગ્લાદેશ સરકાર સાથે વાતચીત કરીને લઘુમતીઓની સુરક્ષા અને તેમની સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતા ગૃહમંત્રી અમિત શાહે લખ્યું, “બાંગ્લાદેશમાં ચાલી રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે ભારત-બાંગ્લાદેશ સરહદ પર વર્તમાન સ્થિતિ પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ બાંગ્લાદેશમાં પોતાના સમકક્ષ અધિકારીઓ સાથે વાતચીત જાળવી રાખશે, જેથી ત્યાં રહેતા ભારતીય નાગરિકો, હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. આ સમિતિનું નેતૃત્વ એડીજી, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ઈસ્ટર્ન કમાન્ડ કરશે.
શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓ હિન્દુઓ અને અન્ય લઘુમતીઓને નિશાન બનાવી રહ્યા છે. આ કથડી રહેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે ગૃહ પ્રધાન અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે મોદી સરકાર બાંગ્લાદેશમાં ભારતીય અને હિંદુ સમુદાયોના હિતોની રક્ષા માટે શક્ય તમામ પ્રયાસો કરશે. આ સમિતિને ખાસ કરીને ભારત-બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા અને પરિસ્થિતિ પર નજર રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. બાંગ્લાદેશમાં વર્તમાનની કટોકટીભરી સ્થિતિની વચ્ચે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.